Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જસદણ આલણસાગર ડેમમાં સૌની યોજનાની પાઇપ લાઇનની કામગીરીમાં ગેરરીતી કરનારા સામે કાર્યવાહીની માંગ

વિજયભાઇ રૂપાણીને રજુઆત કરતા ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા

(વિજય વસાણી-ધર્મેશ કલ્યાણી દ્વારા) આટકોટ-જસદણ, તા., ર૬: ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ કે.બોઘરાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને જસદણના આલણસાગર ડેમમાં સૌની યોજના અંતર્ગત પાઇપ લાઇનના કામમાં ગેરરીતી દાખવનાર સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ડો. ભરતભાઇ બોઘરાએ વધુમાં જણાવ્યું છે કે જસદણ શહેરને પીવા માટે તેમજ ખેતીવાડી માટે મહત્વની યોજના આલણસાગર ડેમ આવેલ છે. આ ડેમમાં જે તે વખતે સૌની યોજનામાં ૧૧પ ડેમ ભરવાની યોજનામાં આલણસાગર ડેમ સુધી સૌની યોજનાની પાઇપ લાઇન નાખવાનું કામ છેલ્લા ૬ માસથી પુર્ણ થઇ ગયેલ છે. ઉપરોકત ડેમમાં પાણી ટેસ્ટીંગ ચાલુ કરેલ પરંતુ ડેમ સુધી પાણી પહોચ્યું નથી.

એક વખત સ્થાનીક અધિકારીઓને રજુઆત કરવા છતા આજ દિન સુધી પાણી પહોંચાડવામાં સફળતા મળી નથી. આમ જસદણના લોકોની લાગણી અને ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાના કામમાં ગેરરીતી થઇ હોય તેવુ લાગે છે અને નબળી કામગીરી અને ડિઝાઇન પ્રમાણે કામના થયું હોય તો પણ યોગ્ય તપાસ કરાવી અને તત્કાલ આ લાઇનનું કામ યોગ્ય થાય તે જરૂરી છે.

 ઉપરોકત કામમાં બેદરકારી દાખવનાર લગતા-વળગતા પર કાયદેસર કાર્યવાહી કરવા ડો.ભરતભાઇ બોઘરાએ માંગણી કરી છે.

(11:43 am IST)