Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ગોંડલના મોવિયા ગ્રામપંચાયતની ગ્રામસભા તોફાનીઃ જાહેરમાં ગાળાગાળી

ગોંડલ, તા.૨૬: ગોંડલ તાલુકાના સૌથી મોટા ગામોમાં ગણના પામતા મોવિયા ગામે ગઈકાલના રોજ સાંજના ૫ કલાકે મોવિયા ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાઈ હતી.આ ગ્રામસભામાં સરપંચ,તલાટી મંત્રી,તાલુકા પંચાયત સદસ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં લોકોના પ્રશ્ર્નો માટે યોજાયેલ મોવિયા ગ્રામ પંચાયતની ગ્રામસભા તોફાની બનવા પામી હતી.આ ગ્રામસભામાં તાજેતરમાં જ રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરેલ મહિલા સદસ્યના પતિદેવ અને ગોંડલ પંથકમાં નેતાજીની છાપ ધરાવતા ગોંડલ તાલુકા પંચાયતના એક સદસ્યના ગ્રામસભામાં ગાળો ભાંડતો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થવા પામ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોએ ગોંડલના રાજકારણમાં ભારે એવી ચકચાર મચાવી છે. ત્યારે સભામાં ઉપસ્થિત ગોંડલ તાલુકા પંચાયતના એક સદસ્ય અને મોવિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ વચ્ચે કોઈ કારણોસર ચકમક ઝરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ બનાવમાં એક વાત એવી પણ બહાર આવી છે કે મોવિયા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રાજકીય પ્રશ્ર્નોને લઈને માથાકૂટ થઈ હોવાની વિગતો પણ જાણવા મળી છે.બંને રાજકીય આગેવાનો વચ્ચે ગામના જૂના પ્રશ્ર્નોને લઈને જાહેરમાં જ ગાળાગાળી સર્જાઈ હતી.ગ્રામસભામાં મહિલાઓની ઉપસ્થિતિમાં નેતાઓ ગાળો ભાંડતા જોવા મળતાં ગ્રામજનોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો હતો..

અત્રે ઉલ્લેખનીય છે કે,દરેક ગ્રામ પંચાયતને દર ત્રણ કે છ મહિને પંચાયતી રાજની જોગવાઈઓ મુજબ ફરજીયાત ગ્રામસભા બોલાવવાની હોય છે. મોટા ભાગે ગ્રામસભામાં ગ્રામજનોના બહુમતિથી રજૂ થતાં પ્રશ્ર્નો સર્વોપરી માનવામાં આવે છે. તેમ છતાં ગોંડલ તાલુકાના ઘણાં ગામડાઓમાં યોજાયેલ ગ્રામસભામાં ખૂદ તાલુકા પંચાયતથી લઈને વિવિધ વિભાગના અધિકારીઓને લોકોના રજૂ થતાં પ્રશ્ર્નોના નિરાકરણ માટે ઉપસ્થિત રહેવાનું હોય છે. તેમ છતાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં યોજાતી ગ્રામ પંચાયતોની ગ્રામસભાઓમાં મોટા ભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેતા નથી. જેમને કારણે લોકોના અનેક પ્રશ્ર્નો હલ થતાં નથી.

(11:31 am IST)