Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બોટાદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન અર્થે CBNAAT વાનનો શુભારંભ

બોટાદ : ભારતને ૨૦૨૫ સુધીમાં ટીબી મૂકત કરવાના વડાપ્રધાનશ્રીના અભિયાન અંતર્ગત એકટીવ કેસ ફાઈન્ડીંગની કામગીરી દ્વારા ટીબીનું વહેલુ અને ઝડપી નિદાન થઈ શકે તે હેતુથી ભારત સરકારના સેન્ટ્રલ ટીબી ડિવીઝન દ્વારા ફાળવવામાં આવેલ CBNAAT વાનનો જિલ્લા કલેકટર સુજીત કુમારે લીલી ઝંડી આપી બોટાદ જિલ્લામાં શુભારંભ કરાવ્યો હતો.  આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, ટીબી મૂકત ગુજરાતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે CBNAAT  મોબાઈલ વાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાની સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે CBNAAT ની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. જયાં ટીબીનું ડાયગ્નોસીસ થઈ શકે છે. તેમ છતાં જિલ્લાના ગઢડા અને બરવાળા તાલુકાના અમુક એવા વિસ્તારો અને અંતરિયાળ ગામો છે, જયાં આ CBNAAT  વાન જશે અને ટીબીના નિદાનની સાથે લોકોમાં આ રોગ બાબતે જાગૃતિ કેળવાય તે માટે પ્રચાર – પ્રસાર કરશે. આ CBNAAT  વાન આગામી તા. ૬-૭-૨૦૧૮ સુધી જિલ્લાના ચારેય તાલુકામાં ફરશે અને ટીબી માટે હાઈ રીસ્ક ધરાવતા અંતરીયાળ ગામ તથા સ્લમ વિસ્તારમાં જઈને ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓનું ટીબી માટે નિદાન કરશે.  આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક, જિલ્લા ક્ષય અધિકારી તથા આરોગ્ય વિભાગના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા તે પ્રસંગની તસ્વીર.

(11:44 am IST)