Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વાંકાનેરની પરિણીતાને મરવા મજબુર કરનાર કેસમાં પતિને મોરબી કોર્ટે સજા ફટકારી.

જેઠાણી તેમજ જેઠાણીની પુત્રીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાની સાથે પરિણીતાના પતિને સાત વર્ષની કેદની સજા

મોરબી : વાંકાનેરની પરણીતાને મરવા મજબુર કરવાના કેસમાં નામદાર મોરબી કોર્ટે મૃત્યુ પામેલા જેઠને એબેટ કરી જેઠાણી તેમજ જેઠાણીની પુત્રીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાની સાથે પરિણીતાના પતિને સાત વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

    મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયાના નીતાબેન ગણાત્રાના લગ્ન વર્ષ 1993માં વાંકાનેર શહેરમાં રહેતા રાજુભાઈ ચુનીભાઈ રાજવીર સાથે લોહાણા જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન બાદ નીતાબેનને પતિ રાજુભાઈ જેઠ રસિકભાઈ જેઠાણી જસ્મીનબેન તથા જેઠની પુત્રી પૂજા નાની નાની બાબતોમાં દુઃખ ત્રાસ આપવાની સાથે નીતાબેનના પતિ રાજેશભાઈ ઉર્ફે રાજુને વાડીમાં કામ કરતી મહિલા તેમજ નિતાબેનની જેઠાણી જસ્મીતાબેન સાથે આડા સંબંધો હોવાની જાણ થવાની સાથે નીતાબેન પાસે પુરાવા પણ હોય પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.
વધુમાં પતિ રાજેશ તેમજ જેઠ, જેઠાણી અને જેઠની પુત્રી દ્વારા નીતાબેનને અવાર નવાર ત્રાસ આપવાની સાથે માનસિક શારીરિક દુઃખ ત્રાસ આપવામાં આવતા નીતાબેને તેમના સુરત મુકામે રહેતા ભાઈને ત્રણ પાનાંનો પત્ર લખી સઘળી હકીકત જણાવી હતી અને બાદમાં અચાનક તેમના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ચકચારી બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ નામદાર મોરબી કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.
આ ચકચારી કેસમાં આરોપી જેઠ રસિક ચુનીલાલ રાજવીરનું ચાલુ કેસ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને જેઠાણી જાસ્મીન તેમજ જસ્મીનાની પુત્રી પૂજાને નામદાર કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકી પતિ રજુ ઉર્ફે રાજેશ ચુનીલાલ રાજવીરને તકસીરવાન ઠેરવી સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે રોકાયા હતા.

(12:55 am IST)