Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૨૮ મે,૨૦૨૩ના રોજ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે

-જિલ્લાના આશરે ૯૭,૯૫ર બાળકોને ૩૯૧ પોલીયોના બુથ ઉપર પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે

દેવભૂમિ દ્વારકા :વિશ્વમાંથી પોલીયો રોગ નાબુદ કરવા માટે સંપૂર્ણ ભારત દેશમાં તારીખ ૨૮/૦૫/૨૦૨૩ને રવિવારના રોજ પોલીયો વેકસીનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા દેવભૂમિ દ્વારકામાં પણ પોલીયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીયો એસ.એન.આઈ.ડી. રાઉન્ડની કામગીરી ક્ષતિરહિત થઈ શકે તે માટે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્કફોર ઈમ્યુનાઈઝેશનની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ.

 

બેઠકમાં કલેકટરએ પોલીયો રસીકરણ કામગીરીમાં ૧૦૦% સિધ્ધી મળી રહે તે માટે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ તેમજ રીપોર્ટીંગ બાબતે માહિતગાર કરેલ હતા. તેમજ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા નિયત સમય મર્યાદામાં ક્ષતિરહિત સિધ્ધી મળી રહે અને ૦-૫ વર્ષના કોઇપણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે તે રીતનું આયોજન કરી કામગીરી કરવા જરૂરી સૂચન કર્યા હતા.

પોલીયો રસીકરણ કામગીરીમાં જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના કાર્યકરો તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સંકલનમાં રહી કામગીરીની ગુણવતા સબબ યોજનાબધ્ધ કામગીરીની પધ્ધતિઓ મુજબ હાઈરીસ્ક વિસ્તાર, સ્લમ વિસ્તાર, ઈંટોના ભઠઠા, ઔદ્યોગીક એકમો, દુર્ગમ ઝુપડપટ્ટીઓ, નેસ વિસ્તારને આવરી લઈ પોલીયો રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના દરેક ગામોમાં આ કાર્યક્રમ અંગે જાગૃતિ મેળવવા માટે માઈક પ્રચાર, મસ્જીદમાંથી એલાન, બેનર્સ, રેલીઓ, પોસ્ટર વગેરે માધ્યમોથી જનસમુદાયમાં આ અંગે જનજાગૃતિ કેળવવા માટે દરેક સ્તરે આયોજન કરવામાં આવ્યા છે.

જિલ્લા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એન.ભંડેરી દ્વારા જણાવ્યા મુજબ જિલ્લાના આશરે ૯૭,૯૫ર બાળકોને પ્રથમ દિવસે ૩૯૧ પોલીયોના બુથ ઉપર તેમજ બીજા અને ત્રીજા દિવસે ૭૮૪ ટીમો તેમજ ૧૦૬ મોબાઈલ ટીમ દ્વારા ઘરે-ઘરે ફરી જિલ્લાના ૦થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયો રોગ સામે લડત આપવામાં આવશે. જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રા.આ.કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનો, ધાર્મિક સ્થળો ઉપર બુથનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના હાઈરીસ્ક વિસ્તારો તેમજ ૧૦૨ ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ પર પોલીયોની રસી પીવડાવવામાં આવશે. જનસમુદાયમાં જનજાગૃતિ લાવવા જાગૃત નાગરીકો દ્વારા તેમના આજુ-બાજુના વિસ્તારમાં બાળકોને રવિવારના રોજ પોલીયોના બુથ ઉપર જઈ પોલીયોના રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવા અને આ કાર્યક્રમને સંપૂર્ણ સહકાર આપી ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયોથી રક્ષિત કરવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે

   
(10:31 pm IST)