Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પોરબંદરની સરકારી હોસ્‍પિટલમાં સારવારના અદ્યતન સાધનો અને દવાનો પુરતો સ્‍ટોક છતા ઇમરજન્‍સી કેસના દર્દીઓને રાજકોટ-જામનગર મોકલાય છે

ઇમરજન્‍સી કેસના દર્દીઓને બે-ત્રણ દિવસની સારવાર બાદ બહારગામની અન્‍ય હોસ્‍પિટલમાં કેસ રીફર કરાય : નેત્રમણી બેસાડવાના દર્દીઓને આંખની કીકીના માપ લેવા માટે ખાનગી હોસ્‍પિટલમા દોડવુ પડે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૬ : સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં સારવાર માટે અદ્યતન સાધનો અને દવાનો પુરતો સ્‍ટોક છતા સારવાર માટે આવતા દર્દીઓને રાજકોટ કે જામનગરની સરકારી હોસ્‍પિટલે ‘‘રીફર'' કરવાની સૂચના અપાઇ છે તેવી ફરિયાદો ઉઠી છે.સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં ઇમરજન્‍સી કેસના મોટાભાગના દર્દીઓને બે-ત્રણ દિવસ સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ કે જામનગરની સરકારી હોસ્‍પિટલે જવા સૂચના અપાય છે.

ત્‍યારે ભાવસિંહજી હોસ્‍પિટલમાં સારવારના અદ્યતન સાધનો ઓપરેશન માટે જરૂરી સગવડો પૂરતી દવાનો સ્‍ટોક છતા દર્દીઓને શા માટે અન્‍ય હોસ્‍પિટલમાં સારવાર માટે મોકલવા કેસ ‘‘રીફર'' કરાય છે? તે પ્રશ્ન દર્દીઓ પુછી રહ્યા છે.

ભાવસિંહજી હોસ્‍પિટલના આંખ વિભાગમાં અગાઉ આંખના દર્દીઓને નેત્રમણી બેસાડવાની સુવિધા હતી. હવે નેત્રમણીની જરૂરવાળા દર્દીઓને આંખની કીકીનું માપ લેવા માટે ખાનગી હોસ્‍પિટલમાં જવુ પડે છે અગાઉ સરકારી હોસ્‍પિટલમાં આંખના દર્દીઓને નેત્રમણી બેસાડવા કીકીનું માપ લેવાનું હતું. હવે આ કીકીનું માપ લેવાનું બંધ કરવા પાછળ કયુ કારણ ? આંખના દર્દીઓમાં આ પ્રશ્ને કચવાટ થઇ રહેલ છે. નેત્રમણીની જરૂરવાળા દર્દીઓની કીકીનું માપ હોસ્‍પિટલમાં લેવાનું શરૂ કરવાની માગણી ઉઠી છે.

(1:38 pm IST)