Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વાંકાનેર કોર્ટના જજ શૈલેષભાઇ પટેલનો પુત્ર મીત ગુજરાત બોર્ડમાં પ્રથમ

વાંકાનેરનું ધો.૧૦નું ઐતિહાસિક પરિણામઃ વાંકાનેરનો વિદ્યાર્થી આવ્‍યો બોર્ડ ફર્સ્‍ટઃ ગણિત અને સંસ્‍કૃત બંને વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ સાથે ૯૯.૯૯ પીઆર મેળવ્‍યા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૨૬ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો. ૧૦ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવ્‍યો છે. ત્‍યારે ૯૯.૯૯ પીઆર સાથે વાંકાનેર જ્ઞાનગંગા સ્‍કૂલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઇ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવતા મોરબી જિલ્લાનું નામ સમગ્ર રાજયમાં ગૌરવભેર ગુંજતુ થયું છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ આજરોજ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલ ધોરણ ૧૦ એટલે કે એસએસસીનું સરેરાશ ૬૨.૬૪ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં એજ્‍યુકેશન હબ બનવા જઇ રહેલા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ ૭૫.૪૩% ટકા પરિણામ સાથે સમગ્ર રાજયમાં બીજો નંબર મેળવ્‍યો છે. જો કે મજાની વાત એ છે કે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવેલી જ્ઞાનગંગા સ્‍કુલના વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઇએ ૯૯.૯૯ પીઆર સાથે ગણિત અને સંસ્‍કૃત બંને વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવી સમગ્ર રાજયમાં બોર્ડ પ્રથમ આવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. નોંધનીય છે કે, મિત પટેલના પિતા શૈલેષભાઇ પટેલ વાંકાનેર કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે.

(10:17 am IST)