Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

તાલાલા પંથકમાં ૧૫ લાખ આંબાના વૃક્ષોનું કટીંગ થાય તે પહેલા તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક વિમા માં સમાવેશ કરો : કેરીના ઉત્પાદક કિસાનોને ન્યાય આપવા વિલંબ થશે તો લડત ઉગ્ર બનાવવાની ચિમકી

તાલાલા પંથકમાં વાવાઝોડા અને વિપરીત વાતાવરણના કારણે બે વર્ષથી નાશ પામેલ કેરીના પાકનું વળતર આપવાની માંગણી સાથે કિસાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

      તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક છેલ્લા બે વર્ષથી વાવાઝોડા તથા વિપરીત વાતાવરણના કારણે નાશ પામ્યો હોય,નાશ પામેલ કેરીના પાકનું કિસાનોને યોગ્ય વળતર આપવાની માંગણી સાથે તાલાલા પંથકના કિસાનોએ આવેદનપત્ર આપ્યું હતું.

   મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા કૃષિ મંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો એ જણાવ્યું હતું કે તાલાલા પંથકમાં અનુકૂળ આબોહવાના અભાવે છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઘટતું જાય છે,જેમાં છેલ્લા બે વર્ષથી કેરીનો ૮૦ થી ૮૫ ટકા પાક નાશ પામ્યો છે,પરિણામે કેરીના ઉત્પાદક કિસાનો દયાજનક સ્થિતિમાં મૂકાઈ ગયા છે,તેમજ કેરીનો પાક નિષ્ફળ જતાં ઘણા ગામોમાં આંબાના વૃક્ષોનું કિસાનો કટિંગ કરી રહ્યા છે,તાલાલા પંથકમાં ૧૫ લાખથી વધુ કેસર કેરીના વૃક્ષો આવેલ હોય,કેરીનો પાક તાલાલા પંથકની જીવાદોરી સમાન છે,કેરીના ઉત્પાદક કિસાનોને તેમની મહેનતનું કાયમી વળતર મળી રહે માટે કેસર કેરીના પાકનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં સરકાર વિલંબ કરશે તો તાલાલા પંથક ની ઓળખ કેરીના આંબાનુ કિસાનો કટીંગ કરવા લાગશે માટે વિશ્વભરની બજારોમાં ખુશ્બુ પ્રસરાતી કેસર કેરીના પાકને પાક વિમાથી સુરક્ષિત કરવાની કિસાનોની લાંબા સમયની માંગણી ની અમલવારી કરવા તેમજ છેલ્લા બે વર્ષથી નાશ પામેલ કેસર કેરીના પાકનું તુરંત વળતર ચૂકવી આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલ કિસાનોને ઉગારવા માંગણી કરી છે,તાલાલા પંથકના કિસાનોને ન્યાય આપવા વિલંબ થશે તો લડત ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી આવેદનપત્ર ના અંત માં આપવામાં આવી છે.

    આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ  પ્રવીણભાઈ છોડવડીયા,ગીર પંથકના ધારાસભ્ય  ભગવાનભાઇ બારડ,જિલ્લા કિસાન સંઘના પ્રમુખ  ભરતભાઈ સોજીત્રા,ઉપપ્રમુખ  રાજેશભાઇ પાનેલીયા,તાલુકા પંચાયત પ્રમુખ રામશીભાઈ પરમાર,જીલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર  ભુપતભાઈ હિરપરા,તાલાલા તાલુકા કિસાન અગ્રણી  ડી.બી.સોલંકી સહીત બહોળી સંખ્યામાં કિસાનો જોડાયા હતા.

તાલાલા શહેર તથા મુખ્ય ગામડા બંધમાં જોડાયા : વિશ્વભરમાં દેશનું ગૌરવ વધારનાર કેસર કેરીના ઉત્પાદક કિસાનોને સમયસર ન્યાય આપો

 તાલાલા પંથકમાં કેરીનો પાક બે વર્ષથી નિષ્ફળ જતા આર્થિક રીતે પડી ભાંગેલ કિસાનોને બેઠા કરવા કિસાનોને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે તાલાલા શહેરની મુખ્ય બજારો તથા ગીર પંથકના આંકોલવાડી ગીર,રસુલપરા,જશાપુર,મોરૂકા,માધુપુર,સુરવા,હડમતીયા,ઘુંસિયા ગીર સહિત મુખ્ય તમામ ગામો બપોર બાદ બંધ રાખી કિસાનો આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જોડાયા હતા.

        વિશ્વભરમાં દેશનું ગૌરવ વધારનાર તાલાલા પંથકના ગૌરવ સમાન કેસર કેરીના ઉત્પાદક કિસાનો ને સમયસર યોગ્ય ન્યાય આપવા સરકાર વિલંબ કરશે તો લડત ઉગ્ર બનાવવા કિસાનોએ મજબૂર બનવું પડશે તેમ કાળઝાળ કિસાનોએ સરકાર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું.

કેરીના નાશ પામેલ પાકનું વળતર આપવાની માંગ વચ્ચે

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેચાણમાં આવેલ કેરીની સરકારે વિગતો મંગાવી...? 

તાલાલા પંથકમાં ઉપરા ઉપર બે વર્ષથી કેસર કેરીના પાકને વાવાઝોડા તથા વિપરીત વાતાવરણથી નુકસાન થતાં આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલ કેરીના ઉત્પાદકોએ તેમની મહેનતનું યોગ્ય વળતર આપવાની અવિરત માંગણી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે લડત શરૂ કરી છે.

 આ દરમિયાન તાલાલા પંથકમાં ગ્લોબલ વોર્મિંગ નાં કારણે કેરીના પાકને નુકસાન થયા બાદ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેટલી કેરી વેચાણમાં આવી,શું ભાવે વેંચાણ થાય છે,તેની વિગતો બાગાયત વિભાગ મારફત એકત્ર કરવાની સરકારે કાર્યવાહી શરૂ કરી છે,સરકારના બાગાયત વિભાગે આ માટે તાલાલા માર્કેટીંગ યાર્ડ પાસેથી કેરીની આવકની વિગતો મંગાવી હોવાનું જાણવા મળે છે.

 

(6:41 pm IST)