Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જુનાગઢમાં સૌ પ્રથમ ગ્રીન કોરીડોર માટે પોલીસ તંત્રની કાબિલેદાદ કામગીરી

ચાર મિનીટ ટ્રેન પણ રોકી દેવાઇ : ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિત કાફલો ખડેપગે રહયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૬ : જુનાગઢમાં સૌ પ્રથમ વાર રચાયેલા ગ્રીન કોરીડોર માટે પોલીસ તંત્રની કામગીરી કાબિલેદાદ રહેલ હતી.

વંથલી તાલુકાના રવતી ગામના મગનભાઇ વાલજીભાઇ ગજેરા નામના વૃધ્‍ધ પડી જતાં તેમના મગજની નસ ફાટી જતા જુનાગઢમાં ઝાંઝરડા સ્‍થિત ડો.આકાશ પટોળીયાની રિસર્ચ આઇસીયુ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

પરંતુ દર્દીનું મગજ કામ કરતુ બંધ થયેલ. જો કે તેમનું હૃદય અને ફેફસા જીવંત હતા આથી ડો. પટોળીયાએ મગનભાઇના પરિવારને અંગદાન માટે જણાવતા પરિવારજનો સહમત થતા ગઇકાલે બપોરે મગનભાઇનું અમદાવાદની ઝાયડસ હોસ્‍પિટલની ટીમ દ્વારા કિડની કાઢીને ગ્રીન કોરીડોર મારફત કેશોદ એરપોર્ટ સુધી લઇ જવામાં આવેલ અને કેશોદ ખાતેથી એર એમ્‍બ્‍યુલન્‍સ મારફત અમદાવાદ મોકલવામાં આવેલ.

ગ્રીન કોરીડોર માટે  એસપી રવિ તેજા વાસમ શેટીએ પાયલોટીંગ વાહનો સાથે જોડાયેલ જુનાગઢનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા,  કેશોદના ડીવાયએસપી જે.બી.ગઢવીની દેખરેખ હેઠળ બે પીઆઇ, ૮ પીએસઆઇ અને પ૦ પોલીસ જવાનોને તૈનાત કર્યા હતા.ગ્રીન કોરીડોરની સફળતા માટે ડીવાયએસપી શ્રી જાડેજાએ  વગેરેએ સતત ખડેપગે રહીને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. તેમજ વેરાવળ રાજકોટ ઇન્‍ટરસીટી ટ્રેનને ચાર મીનીટ રોકી રાખીને ગ્રીન કોરીડોર સફળ બનાવેલ હતો.

(1:41 pm IST)