Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

તાલાલાના ૪પ ગામો કેરીના પાકમાં વળતરની માંગ સાથે અડધો દિ' બંધ

વાવાઝોડુ અને ગ્‍લોબલ વોર્મિગના કારણે કેરીની ખેતી કરતા ખેડૂતોની સ્‍થિતી કફોડીઃ સરકાર તરફથી વળતર જાહેર થવાની શકયતા

(સરદારસિંહ ચૌહાણ દ્વારા) તાલાલ તા.ર૬ : તૌકતે વાવાઝોડુ અને ગ્‍લોબલ વોર્મિંગની અસરના કારણે કેરીના પાકને ભારે નુકશાન થયું છે. ત્‍યારે આજે વળતર આપવાની માંગ સાથે તાલાલા પંથકના ૪પ જેટલા ગામો આજ ગુરૂવારે બપોર બાદ અડધા દિવસ માટે બંધ રહ્યા છે. સરકાર તરફથી વળતરની જાહેરાત થવાની શકયતા છ.ે

તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઇ છોડવડીયાએ જણાવેલ વિગત પ્રમાણે તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના પાકને ગત વર્ષ તૌકતે વાવાઝોડાએ ધોઇ નાખ્‍યો હતો. આ વર્ષે ગ્‍લોબલ વોર્મિંગના કારણે ઉભી થયેલ પરિસ્‍થિતિએ આંબા ઉપર તૈયાર થતા પાકના નાશ કરી નાખતા આ વર્ષે પણ કેસર કેરીના પાકનું બાળ મરણ થયું છે. તાલાલા પંથકમાં બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્‍ફળ જતા કેરીના ઉત્‍પાદક કિસાનોને આર્થિક જબરો ફટકો પડયો હોય, નોંધારા થઇ ગયેલ કિસાનોને આર્થિક પાયમાલીમાંથી બચાવવા તાલાલા તાલુકા કિસાન સંઘ ઉપરાંત તાલાલા પંથકની ૩ર ગ્રામ પંચાયતો ર૭ સહકારી મંડળી ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ અને છેલ્લે ગીર પંથકના ધારાસભ્‍યએ વિસ્‍તૃત વિગતો સાથે સરકારમાં રજુઆત કરી પરંતુ તાલાલા પંથકના કિસાનો યોગ્‍ય માંગણી પ્રત્‍યે સરકારે ઉદાસીનતા રાખતા તાલાલા પંથકના કેરીના ઉત્‍પાદક કિસાનોમાં જબરો રોષ ફેલાયો છે. ત્‍યારે તાલાલા પંથકના કેરીના ઉત્‍પાદક કિસાનોની સાચી અને યોગ્‍ય માંગણીનો સુખરૂપ સકારાત્‍મક અમલવારી કરવાની માંગણી સાથે કિસાન સંઘે ઉગ્ર લડત કરવા નિર્ણય લીધો છે.

સમર્થનમાં તાલાલા શહેરના તમામ સમાજના નાના મોટા વેપારી ભાઇઓ પણ બપોર બાદ સજજડ બંધ પાળી કિસ્‍સાનોને યોગ્‍ય ન્‍યાય અપાવવામાં લડતમાં જોડાય છે

કિસાન સંઘના પ્રમુખે ઉમેર્યું હતું કે તાલાલા પંથકના તમામ ગામના કેરીના ઉત્‍પાદક કિસાનો ઉપરાંત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ-વેપારી ભાઇઓ ગુરૂવારે બપોરે ૩ વાગે માર્કેટીંગ યાર્ડ ખાતે એકત્ર થઇ આર્થિક પાયમાલીમાં મુકાઇ ગયેલ કિસાનોને ઉગારવા યોગ્‍ય વળતર ચુકવવા માંગણી કરતું મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું છે

(1:38 pm IST)