Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રિસામણે બેઠેલી પત્‍ની સાથે સમાધાન કરવા ગયેલા જમાઇ પર હુમલો

મનમાં લાગી આવતા લાલપુર પંથકના યુવાને ઝેરી દવા પી લીધી

જામખંભાળીયા તા.ર૬:  લાલપુર તાલુકાના બબરજર ગામે રહેતા હરેશભાઇ ડાયાભાઇ પરમાર નામના યુવાનના લગ્ન આજથી આશરે સોળ વર્ષ પહેલા ભાણવડ તાલુકાના શેઢાખાઇ ગામે રહેતા ડાયાભાઇ કુંભાભાઇ હાથીયાની પુત્રી ખતુબેન સાથે  થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને  પાંચ પુત્રી તથા એક પુત્રનો જન્‍મ થયો હતો.ᅠ

છેલ્લા આશરે પાંચેક માસથી ખતુબેન   તેમના માવતરે રિસામણે હોય, આ અંગેનું સમાધાન કરવા માટે ગત તારીખ રર મી મેના રોજ હરેશભાઇ તેમના સાળાના બોલવાથી શેઢાખાઇ ગામે ગયા હતા. જ્‍યાં તેમના સસરા ડાયાભાઇ, કાકાજી સસરાના દિકરા વિપુલ માયાભાઇ હાથીયા, હસમુખ માયાભાઇ હાથીયા અને ભુપત માયાભાઇ હાથીયા નામના ચાર શખ્‍સો હાજર હતા.

વાતચીત દરમિયાન ઉશ્‍કેરાઇ ગયેલા સસરા તથા સાળાએ હરેશભાઇને પાઇપ તથા લાકડીથી માર મારતાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

ત્‍યાંથી સ્‍વસ્‍થ થઇને હરેશભાઇ ઘરે પરત આવતા ખૂબ જ હતાશ રહેતા હરેશભાઇએ ગઇકાલે બુધવારે, આ લોકો મને જીવવા નહીં દે એટલે મેં મારૂ કામ કરી લીધું છે. મારે મરી જવું છે,- તેમ કહીને ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમની હાલત નાજુક ગણાવવામાં આવી હતી.

આᅠસમગ્ર બનાવ અંગે હરેશભાઇના ભાઇ વિજયભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૩૦ રહે. જામનગર)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સસરા સહિત ચારેય શખ્‍સો સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:59 pm IST)