Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મૂળી તાલુકાના ૧૫ ગામોમાં નર્મદાનું પાણી મળતું નથી

વઢવાણ, તા.૨૬ : મૂળી તાલુકામાં અનેક ગામો આજે પણ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યા છે.જેમાં પીવાનાં પાણીની સમસ્‍યા મહત્‍વની છે. જ્‍યારે નર્મદા વિભાગ દ્વારા ગામડે ગામડે નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્‍તવિકતા કાંઇક અલગ જ હોવાનું ધ્‍યાને આવ્‍યું છે.જેમાં તાજેતરમાં મૂળીનાં છેવાડાના ૧૫ જેટલા ગામોમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે અંદાજે ૩૦ કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરાઈ છે. પરંતુ આ કામગીરી જાણે દેખાવ માટે હોય તેમ લાગી રહ્યું છે.

છેલ્લા ૧૦ દિવસથી મૂળીનાં સરા, લિયા,રાયસંગપર, વેલાળા,મહાદેવગઢ, કરશનગઢ સહિતના ૧૫થી વધારે ગામોમાં ૧૦ દિવસથી નર્મદાનું પાણી મળતું ન હોવાથી ૨૦ હજારથી વધુ લોકોને ક્ષારયુકત અને ગંદુ પાણી પીવું પડી રહ્યું છે. પાણી માટે ૪૪ ડીગ્રી તાપમાનમાં રઝળપાટ કરવો પડે છે. ત્‍યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્‍ય તપાસ કરી મૂળીનાં ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

(12:01 pm IST)