Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જખૌ પાસેથી ચરસના ૪ પેકેટ મળતા ખળભળાટ : એક પેકેટની કિંમત દોઢ લાખ

કચ્‍છના દરિયાકાંઠેથી કેફી દ્રવ્‍યોના પેકેટ મળવાનો સિલસિલો જારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : કચ્‍છના દરિયાકિનારામાંથી કેફી દ્રવ્‍યોના પેકેટ મળવાનો સિલસિલો જારી રહ્યો છે અને તેમાં બીએસએસને જખૌ પાસેના ઓગાત્રા બેટ પાસેથી વધુ ચાર પેકેટ હાથ લાગ્‍યા છે. ચરસના આ પેકેટ દલદલ વિસ્‍તારમાંથી મળ્‍યા હતા. ૨૦મી મે - ૨૦૨૦થી અત્‍યાર સુધી વિવિધ સુરક્ષા એજન્‍સીને કુલ ૧૫૦૬થી વધુ પેકેટ મળી આવ્‍યા છે. સામાન્‍ય રીતે બજારમાં એક ચરસના પેકેટની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા હોય છે.
સીમા સુરક્ષા દળે જારી કરેલી અખબારી યાદી અનુસાર, ૨૫મી મેના બપોરે ૧.૧૫ વાગ્‍યે બીએસએફ ભુજની ટુકડીને જખૌ પોર્ટ નજીકના ઓગાત્રા બેટમાંથી ચરસના ચાર પેકેટ મળ્‍યા હતા. આ પેકેટ્‍સ ઉપર અરેબિક પ્રીમિયમ એગોઈસ્‍ટ કૈફે વેલ્‍વેટ લખ્‍યું છે. આવા પેકેટ અગાઉ પણ બીએસએફ ઉપરાંત ગુજરાત પોલીસ, કોસ્‍ટગાર્ડ, કસ્‍ટમ્‍સ દ્વારા જપ્ત કરવામાં આવ્‍યા છે.
જખૌ પોર્ટ અને ક્રીક વિસ્‍તારમાં આવા ચરસ સમુદ્રી લહેરોમાં તણાઈને આવી જાય છે. પાકિસ્‍તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે તણાઈને ભારતીય કિનારે પહોંચી રહ્યા છે.

 

(11:50 am IST)