Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

૨ લાખ લોકો માટે તાવડા મંડાશે : વધારાના ૧ લાખ સુધીની તૈયારી

એક સાથે ૨૦ હજાર માણસોના દાળ - શાક થઇ શકે તેવા તપેલા : ઇડરના રાજુભાઇ સોનીને રસોઇનો કોન્‍ટ્રાકટ : ૨૦ રસોઇયા, ૪૫૦ કાઉન્‍ટર, ૨ હજાર પીરસવાવાળા : મોહનથાળ, ગુંદી, ગાંઠિયા, રોટલી, શાક, દાળ, ભાત વગેરે પીરસાશે

આટકોટમાં શનિવારે ઉદ્‌ઘાટન પામનાર કે.ડી. પરવાડિયા હોસ્‍પિટલની અકિલા પરિવારના શ્રી કિરીટભાઇ ગણાત્રાએ મુલાકાત લીધેલ. હોસ્‍પિટલ તેમજ સભાસ્‍થળ અને રસોડા અંગે ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરાએ વિગતવાર માહિતી આપી હતી. રસોડા વિભાગમાં ૫૧ ચુલા તૈયાર કરવામાં આવ્‍યા છે. એકથી બે કલાકમાં તમામ લોકો ભોજન લઇ લે તે પ્રકારે કાઉન્‍ટર, વાસણ, પીરસવાવાળા વગેરેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી શનિવારે સવારે આટકોટમાં પટેલ સેવા સમાજ દ્વારા બનાવાયેલ કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે. તેમની હાજરીમાં જાહેરસભા યોજાનાર છે. જાહેરસભા પૂરી થયા બાદ સ્‍થાનિક અને બહારગામથી આવેલા તમામ લોકો માટે સભા સ્‍થળની નજીક જ ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. રસોઇનો કોન્‍ટ્રાકટ ઇડરના રાજુભાઇ સોનીને આપવામાં આવ્‍યો છે. આયોજકોએ ત્રણ લાખ લોકો એકત્ર થવાનો અંદાજ રાખ્‍યો છે. જેને અનુરૂપ ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

રાજુભાઇ સોનીના માર્ગદર્શન હેઠળ બે લાખ લોકોની રસોઇ બનાવવામાં આવશે. જરૂર પડે તો વધારાના એક - દોઢ લાખ લોકો માટે ઝડપથી રસોઇ બનાવી શકાય તેવી કાચા માલ અને ગરમ પાણી સહિતની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. શુક્રવાર સાંજથી તાવડા મંડાઇ જશે. એક સાથે ૨૦ હજાર માણસોની દાળ - શાક બની શકે તેવા તપેલા રાખવામાં આવ્‍યા છે. રસોડામાં ૫૦ જેટલા ચુલા બનાવવામાં આવી રહ્યા છે. ૪૫૦ કાઉન્‍ટર રાખવામાં આવશે. કોન્‍ટ્રાકટરના ૨૦૦ રસોયા સ્‍થળ પર આવી ગયા છે. પીરસવા માટે બે હજાર જેટલા સ્‍વયંસેવકો ખડેપગે રહેશે. રસોડાથી કાઉન્‍ટર સુધી રસોઇ પહોંચાડવા અને જરૂર પડે તો બહારથી વધારાનો કાચો માલ લાવવા માટે ખાસ વાહનો રાખવામાં આવ્‍યા છે. સ્‍થળ પર સાડા ત્રણ લાખ લોકો માટે રસોઇ બની શકે તેટલો કાચો માલ તૈયાર હોવાનું રસોયના કોન્‍ટ્રાકટરે જણાવ્‍યું હતું.

તમામ લોકોને મોહનથાળ, ગુંદી - ગાંઠીયા, રોટલી, બટેટાનું શાક તેમજ મગનું શાક, દાળ-ભાત, છાશ પીરસવામાં આવશે.

 

આટકોટમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇની સભાને અનુલક્ષીને અભૂતપૂર્વ વ્‍યવસ્‍થાઃ વિશાળ સમીયાણોઃ સેંકડો વાહનો માટે ૧૩ સ્‍થાનો પર પાર્કિંગ વ્‍યવસ્‍થાઃ ગામેગામથી ડીજેના સથવારે રાસની રમઝટ સાથે લોકો સભાસ્‍થળે પહોંચશેઃ વડાપ્રધાન ઉપરાંત ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અન્‍ય મંત્રીઓ વગેરેની હાજરીઃ  સભાસ્‍થળની નજીકમાં જ ભોજનશાળાઃ વડાપ્રધાનના સુરક્ષા અધિકારીઓ અને સ્‍થાનિક પોલીસ સભાસ્‍થળે અને હોસ્‍પિટલ પર ખડેપગે

 

સલામતીની દ્રષ્‍ટિએ સમીક્ષા

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની શનિવારની આટકોટની મુલાકાત સંદર્ભે સ્‍પેશ્‍યલ સુરક્ષા અધિકારીઓએ કાર્યક્રમ સ્‍થળનો નકશો સામે રાખી મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરા સાથે ચર્ચા કરી તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

સ્‍વયંસેવકો માટે ટીશર્ટ અને મહિલાઓ માટે બાંધણી સાડી

રાજકોટઃ વડાપ્રધાનના હસ્‍તે ખુલ્લી મુકાનાર આટકોટની પરવાડિયા હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરાએ જણાવેલ કે, લોકાર્પણ સમારોહની વ્‍યવસ્‍થામાં રહેનારા ૧૦ હજાર સ્‍વયંસેવકો માટે મોદીજીના ફોટાવાળા ખાસ ટીશર્ટ અને ટોપી તૈયાર કરાયેલ છે. સંભવતઃ ઉપસ્‍થિત રહેનારાઓમાં મહિલાઓની સંખ્‍યા પણ મોટી હશે. ૩૦ હજાર મહિલાઓ માટે અલગ-અલગ રંગની સાડીઓનું વિતરણ કરવામાં આવેલ છે. પ હજાર કળશધારી બહેનો વડાપ્રધાનના સ્‍વાગતમાં હાજર રહેશે.

(11:40 am IST)