Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

દ્વારકાના રઘુવંશી સમાજ દ્વારા ૩૦૦ આદર્શ લગ્નોત્‍સવ સંપન્‍ન

આદર્શ લગ્નોત્‍સવથી રઘુવંશી પરિવારોને ૬ કરોડનો ફાયદો

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.ર૬ : દ્વારકાના રઘુવંશી સોશ્‍યલ ગ્રુપ દાયકા પુર્વે શરૂ કરેલ આદર્શ લગ્નોત્‍સવ યોજના તળે ૩૦૦મો લગ્નોત્‍સવ સંપન્‍ન કર્યો છે. ત્‍યારે દરેક સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ રઘુવંશી ગ્રુપે આપ્‍યુ છે. મોંઘવારીના કપરા સમયમાં નાણા અને સમયનો બચાવ કરીને માત્ર રૂપિયા ૧૭ હજારમાં નવદંપતિનો મેળાપ કરી આપનાર આ યોજનાથી રઘુવંશી પરિવારોને રૂપિયા છ કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો છે.

ગુજરાત સૌરાષ્‍ટ્ર સહિત દેશભરમાં દરેક ક્ષેત્રમાંથી રઘુવંશી સમાજ તેમના પરિવારજનોને લગ્નના તાંતણે બાંધીને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે. દ્વારકાના ચરકલા રોડ વિસ્‍તારમાં આવેલ જલારામ મંદિરના પરિસરમાં લગ્નોત્‍સવની વિવિધ સંપન્‍ન કરવામાં આવે છે. જેમાં હિન્‍દુ ધર્મની સંપુર્ણ વિધિ વિધાન મુજબ વર કન્‍યાના એકસો સભ્‍યોને વાજતે ગાજતે પ્રવેશ મળે છે અને લોહાણા જ્ઞાતિના ગોર સુરેશભાઇ સાતાના સહયોગથી રઘુવંશી સમાજના ટ્રસ્‍ટીઓ અને મહિલા મંડળના સહયોગ દ્વારા સમગ્ર લગ્નોત્‍સવની પ્રક્રિયા પુર્ણ કરાવવામાં આવે છે.

તાજેતરમાં જ યોજાયેલ ૩૦૦માં લગ્નોત્‍સવમાં સુરજકરાડીનો સામાણી અને દામાણી પરિવાર સહભાગી બન્‍યો હતો. આજના સમયમાં વર અને કન્‍યા પક્ષે મોંઘવારીના કારણે સામાન્‍ય સંજોગોમાં પણ બંન્‍ને પરિવારને મળી લગ્ન માંટે રૂપિયા બે લાખ જેટલો ખર્ચ સામાન્‍ય રીતે આવતો હોય છે. જયારે માત્ર સતર હજાર રૂપિયામાં દંપતીનું નવજીવન ઉજાગર કરનાર રઘુવંશી સમાજે ૩૦૦મો લગ્નોત્‍સવ સંપન્‍ન કરનારે દરેક સમાજને નવો રાહ ચિંધ્‍યો છે.

રઘુવંશી સમાજના જ શ્રેષ્‍ઠી પાસેથી રૂપિયા સતર હજારનું દાન મેળવી જરૂરીયાતમંદ પરિવારોને આ લગ્નોત્‍સવનો લાભ મળે છે. પરંતુ આ સમય અને નાણાંનો બચાવ કરનારી  યોજનામાં સાધન સંપન્‍ન પરિવારોએ પણ લાભ લીધો છે.

નવદંપતિને રઘુવંશી સમાજ દ્વારા કરીયાવરની દરેક વસ્‍તુઓ પણ ભેટ સ્‍વરૂપે આપવામાં આવે છે. પ્રમુખ અશ્વિનભાઇ ગોકાણી, પુર્વ પ્રમુખ કનુભાઇ હિંડોચા, પુર્વ પ્રમુખ ડો.નીતીનભાઇ બારાઇ સહિતના ટ્રસ્‍ટી મંડળ આ યોજનાને સફળ જહેમતથી પાર પાડી છે. જયારે લગ્નોત્‍સવની કમીટીના નટુભાઇ રૂપારેલીયા અને અનિલભાઇ માવાણી દરેક લગ્નોત્‍સવનું કાર્ય સંભાળી રહયા છે.

(11:30 am IST)