Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જેતપુરની સગીરા ઉપરના ગેંગરેપ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ધવલ પારેખીયા સહિત બે સકંજામાં : અન્યની શોધખોળ

દુષ્કર્મના ફોટા વાયરલ કરવાની અને ભાઇને પતાવી દેવાની ધમકી આપી ધવલ પારખીયાએ અલગ-અલગ ત્રણ સ્થળોએ સગીરાને બોલાવી હવસખોર મિત્રોને હવાલે કરી હતી : એસ.પી.ને અરજી બાદ કાર્યવાહી

જેતપુર, તા., ૨૬: જેતપુર પંથકની સગીરા પરના ગેંગ રેંપ મામલે જેતપુર પોલીસ તથા રૂરલ એસપીને ઇ-મેઇલથી   ફરીયાદ થયા બાદ પોલીસે ગેંગ રેપની આ ગંભીર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મુખ્ય સુત્રધાર ધવલ પારેખીયા સહિત બે સંકજામાં આવી ગયા છે જયારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગેંગ રેપનો ભોગ બનનાર જેતપુર પંથકની સગીરાએ જેતપુર પોલીસ તથા રૂરલ એસપીને ઇ-મેઇલ દ્વારા લેખીત ફરીયાદ કરી હતી. ફરીયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે, પોતે ધો.૧રમાં અભ્યાસ કરે છે અને તેનો ભોળપણનો ફાયદો ઉઠાવી ધવલ પારખીયા નામના યુવાને મિત્રતા કેળવી કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી હતી. જયાં ધવલે  છરી બતાવી બળજબરીથી તેની સાથે સંબંધ બાંધ્યા બાદ સગીરાને માર મારી મારા મિત્રોને પણ ખુશ કરવા પડશે તેમ કહી રાજુ અને અદા નામના શખ્સને હવાલે કરતા આ બંન્નેએ તેણીની સાથે બળજબરીથી શારીરીક સંબંધ બાધ્યા હતા અને આ દુષ્કર્મનો ધવલે  તેના મોબાઇલ વડે ફોટા પાડી લીધા હતા. 

ત્યાર બાદ દુષ્કર્મના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ધવલે સગીરાને ભીડભંજન મંદિર પાસે આવેલ એક વાડીમાં બોલાવી હતી જયાં વાડી માલીક અને રાજકોટના રોનક દોંગા નામના તેના મિત્ર સહીત ત્રણેયે બળજબરી પુર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતું. તેમજ સગીરાના ભાઇને મારી નાખવાની ધમકી આપી ફરી વાર સગીરાને ધવલ દિલીપભાઇ  ઘુઘરાવાળાને ઘરે લઇ ગયેલ અને ત્યાં દિલીપભાઇ ઘુઘરાવાળાનો પુત્ર ખુશાલ અને ધવલે દુષ્કર્મ ગુજાર્યુ હતું.

ધવલે સગીરા પર શારીરીક અને માનસીક ત્રાસ આપી સામુહીક દુષ્કર્મ આચરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી સોનાની બુટીની બે જોડી તેમજ રોકડ રૂપીયા પણ ધમકાવી પડાવી લેતા સગીરા ઘર છોડીને ચાલી ગઇ હતી. પરંતુ પરીવારજનોને જાણ થઇ જતા વિરપુર પાસેથી પરત લઇ આવી પુછપરછ કરતા સગીરાએ  પોતાના પર વિતેલ આપવીતી વર્ણવતા પરીવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા અને આ અંગે પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય લીધો હતો.

સગીરાની આ ફરીયાદ અન્વયે જેતપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવે જેતપુર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. (૯.૧૬)

(2:35 pm IST)