Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સોમનાથના અદના આદમી ''ચા ની કીટલી'' વાળા કાળુભાઇની પ્રમાણિકતાએ નરસિંહ મહેતાની ભજન પંકિત 'પરધન નવ ઝાલે હાથ રે' સાર્થક કરી !!

લોકડાઉનમાં આર્થિક મુશ્કેલી વચ્ચે મિત્ર રાજ ગોપાલભાઇએ સાચવવા આપેલા રૂ. દોઢલાખની રકમ મિત્રના અવસાન પછી સેવાભાવી યુવાનોએ પરત આપી આ રકમમાંથી ગાયોને ચારો - પક્ષીઓને ચણ, ગરીબોને શીરાનું ભોજન કરાવી સદકાર્યમાં વપરાયા : કાળુભાઇના મિત્ર રાજ ગોપાલભાઇએ સ્પષ્ટ કહેલું કે હું મરી જાવ તો આ પૈસા તું રાખજે છતા કાળુભાઇએ મિત્રતા અને પ્રમાણીકતાને નજર સમક્ષ આ રકમ સેવાભાવીઓને સોંપી પ્રેરણાદાયી કાર્ય કર્યું

પ્રભાસ-પાટણ તા. ર૬ : સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે નગરપાલિકા સંચાલિત ગેસ આધારિત સ્મશાન ગૃહ આવેલું છે. જેમાં રાજ ગોપાલભાઇ નામના ભાઇ છેલ્લા સાડા ત્રણ વરસથી મૃતદેહોને અગ્નિદાહ આપવાની માનદ્દ સેવા આપતા હતા.

આ જ સ્મશાનમાં સામાન્ય ચા ની રેકડી રાખતા પ્રભાસ-પાટણના કોલીવાડામાં રહેતા કાળા રામા ગઢીયા ઉર્ફે કાળુભાઇ નાનો-સુનો ચા નો ધંધો કરતા હતા.આ બન્ને વચ્ચે વિશ્વાસુ મિત્રતા હતી. જેથી રાજ ગોપાલભાઇ પોતાની બચત-આર્થિક ઉપજિન સલામતી ખાતર કાળુભાઇને સાચવવા માટે આપ્યે રાખતા હતા અને કહેતા પણ કે 'હું મરી જાઉં તો, આ પૈસા તારા'

અને અચાનક બન્યું પણ એમ કે થોડા દિવસ પહેલાં તેમને પેટમાં કોઇ જૂના રોગને કારણે દૂઃખાવો થયો પરિસ્થિતિ ગંભીર બની જે અંગેની જાણ પ્રભાસના આગેવાનો-સેવાભાવીઓ જયદેવ જાની, મિલન જોશી, શૈલેષ ગૌસ્વામી અને નગરપાલિકાના જેઠાભાઇ સોલંકી સ્મશાને પહોંચ્યા ત્યારે ગોપાલભાઇ વ્યકત કરેલી ઇચ્છા મુજબ ખાસ એમ્બ્યુલન્સ દ્વારા આર્યસમાજ પોરબંદર-ધનજીભાઇ સુધી સારવાર માટે પહોંચાડયા જયાં તેનું દુઃખદ અવસાન થયંુ.

સોમનાથ-સ્મશાનમાં ચા નું વેચાણ કરતા સામાન્ય ચા ની રેકડીવાળા કાળુભાઇને તેના મરણની ખબર પડી એટલે તરજ ગામના સેવાભાવી માણસોને મળ્યોને કહ્યું કે આ અધ્યાગતના પૈસા મારે નથી રાખવા-કોઇ લખત કે પખત નથી.

મરણ જનારે તેની થાપણ સાચવવા ભાગરૂપે મને દોઢ લાખ રૂપિયા વિશ્વાસે આપેલ છે-તેણે એમ પણ કીધું છે કે 'કદાચ હું મરી જાઉં તો આ પૈસા તારા' પણ મારે અણહક્કના કોઇના પૈસા ન જોઇએ.

અત્યારે લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ છે અને મને આર્થિક સંકડામણ પણ છે પણ તે છતાં મરનારના વિશ્વાસનો ભંગ કરવો નથી અને તેને ેસેવાભાવી લોકોને આ રકમ ધરી જેથી તે રકમમાંથી ગાયોને ચારો, પક્ષીઓને ચણ અને લોકડાઉનમાં જરૂરતમંદોને શીરો ભોજન કરાવાયું અને બાકીની રકમમાંથી સ્મશાન ઘાટે તેની સ્મૃતિમાં પાણી-પરબ કે અન્ય બાંધકામ આયોજન કરાયું.

સેવાના આ કાર્યમાં પોરબંદરના ધનજીભાઇ નગરપાલિકાના જયદેવ જાની, મિલન જોશી, શૈલેષ ગોસ્વામી સહયોગી બન્યા.

(11:44 am IST)