Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

મોરબીમાં લોકડાઉનની છૂટછાટમાં ટાયર પંચર મોબાઇલ શોપ અને ફેરિયાઓને બીનજરૂરી હેરાનગતિઃ કલેકટરને રજુઆત

મોરબી,તા.૨૬: શહેરમાં રોજનું કમાઈ ખાનાર સેંકડો ટાયર પંચર કરતા ગરીબ લોકો, ફેરીયા, લારી ગલ્લા મારફત રોજીરોટી કમાતા પારાવાર શ્રમિકોની રોજગારી લોકડાઉનને લીધે ઠપ્પ થઇ ગયેલી છે પણ હવે જયારે છૂટછાટો મળી છે ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા બિનજરૂરી હેરાનગતિ રોકીને રોજગારી રળવાની સુરક્ષા આપવા ધારાસભ્ય બ્રિજેશભાઇએ મેરજાએ કલેકટરને રજૂઆત કરી છે.

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મોરબી શહેરના ટાયર પંચર કે શેરી ફેરિયાઓને અંત્યોદય યોજનાના કાર્ડ આપવામાં આવેલ છે તે જોતા તેઓ મોરબી શહેરમાં આ પ્રકારની આજીવિકા પૂરી છૂટછાટ સાથે રળી સકે છે પરંતુ કમનસીબે તમામ વાહનોના ટાયર પંચર મોબાઈલ શોપ ધારકોને નિરાંતે ધંધો કરવા દેવામાં આવતો નથી તેવી ફરિયાદો અને વિગતો સાથે કલેકટરને પણ ૨૧ મી તારીખે ઈમેલ કરીને જાણ કરી હોવા છતાં આવા લોકોના ધંધા ઉપરની વહીવટી તંત્રની કનડગત હજુ બંધ થઇ નથી.

ધારાસભ્યએ કલેકટરને અનુરોધ કર્યો છે કે આ બાબતે તાકીદે પોલીસ તંત્ર અને નગરપાલિકાના જવાબદારો સાથે મીટીંગ કરીને હેરાનગતિ દુર કરી જે લોકો પાસે આવકનો કોઈ બીજો વિકલ્પ નથી તેવા નબળા વર્ગના આસામીઓને શહેરી મિશન હેઠળ ટાયર પંચર કરવાની છૂટ આપવામાં આવે એક બાજુ ઉનાળાનો તાપ તપી રહ્યો છે ત્યારે મહિલા, બુઝુર્ગો પોતાના દ્વિચક્રીય વાહનોમાં થતા પંચરને લીધે વાહનમાં ટાયર ટ્યુબના પંચર કરવા હેરાન થવું પડે છે તે સ્થિતિ નિવારવા મોરબીના રવાપર રોડ, શનાળા રોડ, જુના બસ સ્ટેન્ડ અને ગેસ્ટ હાઉસ રોડ ઉપરાંત લીલાપર રોડ સહિતના વિસ્તારમાં વાહનોના તમામ પંચર, મોબાઈલ શોપ ચાલુ રહે તેવી તકેદારી જીલ્લા તંત્રના વહીવટી વડા તરીકે કલેકટરને સેવીને લોકોને ઉપયોગી થવાની પવિત્ર ફરજ વિશાળ હિતમાં નિભાવવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

(11:32 am IST)