Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઉપલેટામાં શાંતિ પૂર્ણ રીતે ઈદની ઉજવણી થતા રાહતનો શ્વાસ લેતુ તંત્ર

ઉપલેટા તા. ૨૬ : ઉપલેટા શહેરમાં વૈશ્વિક કોરોના મહામારીના પગલે આજરોજ સમગ્ર મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના દિવસે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં જાહેરનામાનો ભંગ ન થાય તે રીતે મસ્જિદ તથા ઈદગાહમાં માત્ર ચાર વ્યકિતઓને જ બંદગી કરવાની છૂટ આપવામાં આવી હતી. તેમજ કબ્રસ્તાનમાં પણ ચાર થી પાંચ વ્યકિતઓને જ કબર પર ફૂલ ચડાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

ઉપલેટા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગઇકાલથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં આજરોજ જેતપુર એ.એસ.પી. સાગર બાગમાર, ઈન્ચાર્જ પીઆઈ વી. એમ. લગારીયા સહિતનો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ પણ કરી રહ્યા હતા. બે દિવસ પહેલા ઉપલેટા પોલીસ મથકે પી.આઈ. દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેને લઇને સમસ્ત ઉપલેટા મુસ્લિમ બિરાદરો દ્વારા પૂરો સહકાર આપવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઘરમાં જ રહીને નમાજ અદા કરવામાં આવી હતી. જેને લઇને આજરોજ શાંતિથી ઈદની ઉજવણી થઈ હતી. શાંતિ પૂર્ણ ઉજવણી થતા તંત્ર અને અગ્રણીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

(11:23 am IST)