Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જુનાગઢમાં વધુ એક કોરોના પોઝીટીવઃ વૃધ્ધ ઝપટે

શાંતેશ્વર વિસ્તારનાં ૬પ વર્ષના વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાઃ મ્યુનિસીપલ કમિશનર તુષાર સુમેરા અને ટીમ દ્વારા આરોગ્ય કામગીરી

જૂનાગઢ તા. ર૬ :.. જૂનાગઢ જિલ્લામાં બે દિવસની બ્રેક બાદ આજે સવારે જુનાગઢનાં એક વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આ સાથે જૂનાગઢમાં કોરોના કેસ વધીને ત્રણ અને જિલ્લાનો  કુલ ર૬ થયો છે.

જૂનાગઢ જિલ્લામાં બહારથી આવેલા લોકોનાં કારણે સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક રપ થયો છે. જેમાંથી આઠ દર્દી સ્વસ્થ થઇ જતા ૧૭ કેસ એકટીવ રહેલ. પરંતુ આજે સવારે ડીડીઓ પ્રવિણ ચૌધરીએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જુનાગઢ શહેરના એક સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે જુનાગઢ શહેરના શાંતેશ્વર વિસ્તારમાં રહેતા એક ૬પ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ સવારે કોરોનો પોઝીટીવ આવેલ છે જે સાથે સીટીના પોઝીટીવ કેસ ત્રણ થયેલ છે. જો કે એક દર્દી સ્વસ્થ થઇ ચૂકયા છે.

કમિશનર શ્રી સુમેરાએ વધુમાં જણાવેલ કે, રિપોર્ટ પોઝીટીવ આવતાની સાથે મનપાની મેડીકલ ટીમને તાબડતોબ શાંતેશ્વર વિસ્તારમાં મોકલીને વૃધ્ધ દર્દીને સીવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

તેમજ કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શનમાં કમિશનર શ્રી સુમેરાએ શાંતેશ્વર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થવાની તજવીજ હાથ સમગ્ર વિસ્તારમાં સેનીટાઇઝ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.  જુનાગઢમાં આજે સવારે પોઝીટીવ કેસ વધતા જીલ્લાના પોઝીટીવ કેસ વધીને ર૬ થયા છે જોકે હાલ ૧૮ કેસ એસ્ટીવ  છે. (પ-ર૧)

(12:46 pm IST)