Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જૂનાગઢમાં લોકડાઉનના અમલ સાથે જનજાગૃતિ કેળવતી પોલીસ

માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા લોકોને જાગૃત કર્યા

જૂનાગઢ : કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બિનજરૂરી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

  જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. હાલમાં સરકારના જાહેરનામા મુજબ બજારમાં વેપારીઓ માટે ઓડ ઇવન પ્રથા અમલમાં લાવેલ છે તેમજ આ બાબતે જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, સહિતના અધિકારીઓએ માંગનાથ, પંચ હાટડી, દીવાન ચોક, ઢાલ રોડ, વિગેરે જગ્યા વિઝીટ કરી, વેપારીઓની સાથે ચર્ચા સમજાવટ કરી, એકી બેકી દુકાનોના ખુલ્લી બંધ રાખવા સહમતી સાધવામાં આવેલ હતી. પરંતુ, અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઓડ ઇવન નો અમલ કરવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક વેપારીઓ અમુક વિસ્તારમાં પોતાની દુકાનો દરરોજ ખોલતા હોવાની તથા  લોક ડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ જે.એચ.કચોટ, વી.આર.ચાવડા, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, એ.એસ.આઈ. રવિરાજસિંહ, હે.કો. વિક્રમસિંહ, અનકભાઈ, વનરાજસિંહ, દિનેશભાઈ, સુભાષભાઈ, સહિતની ટીમ દ્વારા કાળવા ચોક, મંગનાથ, પાંચ હાટડી, દીવાન ચોક, ચોકસી બજાર, છાયા બજાર, માલિવાળા રોડ, એમ.જી.રોડ, ઝલોરા પા, માંડવી ચોક, સર્કલ ચોક, ઢાલ રોડ, વિગેરે જગ્યા આજ રોજ બેકી નંબર ની દુકાન ધરાવતા વેપારીઓનો ખુલ્લી રાખવાની હોઈ, એકી તારીખવાળા વેપારીઓએ પણ ખુલ્લી રાખતા, તમામને પોલીસ સ્ટેશન લાવવામા આવેલ હતા. દરમિયાન વેપારી એસોસીએશનના આગેવાનો દ્વારા રજુઆત કરતા, તમામ વેપારીઓને એકત્રિત કરી સમજાવટ કરી, હવેથી ઓડ ઇવન પ્રથાનો અમલ કરવા સમજાવતા, હવેથી ઓડ ઇવન પ્રથાનો અમલ કરવાની ખાતરી આપેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ આ બાબત જાહેર જનતા તથા વેપારીઓની સુખાકરી માટે હોઈ, ઓડ ઇવન પ્રથાનું પાલન કરવા હિમાયત કરવામાં આવેલ હતી.

 જૂનાગઢ પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમજ લોકોના ફાયદા માટે વેપારીઓને ઓડ ઇવન પ્રથાની જાહેરાત કરવામાં આવેલ હોવા છતાં, અમુક વેપારીઓ કાયદાની ઐસીતૈસી કરી, કોરોના વાયરસનાં ફેલાવા બાબતને હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે વેપારીઓને સમજાવટ કરી, કાયદાનું અમલ કરવા શરૂ કરવામાં આવેલ છે.  જેના માટે વેપારીઓએ પણ હવેથી ઓડ ઇવન પ્રથાનો અમલ કરવાની ખાતરી આપતા, લોકોના અંતરાત્માને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ઓડ ઇવન પ્રથા દ્વારા લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

 જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ  બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, લોકોની સુરક્ષા માટે એક પછી એક પગલાંઓ લેવાનું શરૂ જ રાખવામાં આવેલ છે. હવે પછી ઓડ ઇવન પ્રથાનો અમલ નહીં કરનાર વેપારીઓ વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે

(10:13 pm IST)