Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

સુરતની દુર્ઘટનાને પગલે ભુજમાં ટ્યુશન કલાસીસ તંત્રના રડારમાં- ૬ કલાસીસ બંધ કરવાની નોટિસ

(ભુજ) સુરતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમા ગઇકાલે આગની ધટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યુ છે. ફાયર સેફટીના સાધનો વગર સર્જાયેલી આ દુર્ધટના પછી સરકારે ગુજરાતભરમાં ટ્યુશન ક્લાસીસ પર તપાસ શરૂ કરી છે. ત્યારે ભુજમાં ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા ટ્યુશન ક્લાસીસ પર તવાઇ બોલાવાઇ હતી.

એક સાથે કલાસીસમાં ભણતા અનેક વિદ્યાર્થીઓનો સમાવેશ હોવા છતાંયે ફાયર સેફટીના સાધનો વગર ધમધમતા ભુજના ટ્યુશન કલાસીસ સામે  સુરતની ધટના પછી જાગેલા તંત્રએ તપાસ કરી નોટીસ ફટકારી આવા ટ્યુશન કલાસીસ બંધ કરાવ્યા હતા.

ભુજની સનરાઇઝ બિલ્ડીંગ સહિત અન્ય ૬ જેટલા ટ્યુશન કલાસીસો ઉપર ફાયર વિભાગ અને ભુજ પાલિકાએ સયુંક્ત ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં તમામ સ્થળોએ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો જેથી ફાયર વિભાગે નોટીસ સાથે ટ્યુશન ક્લીસીસ બંધ કરાવ્યા હતા. રાજ્ય સરકારના નવા પરિપત્ર પહેલા એક પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાની ફાયર વિભાગે સુચના આપી છે. 

આગામી દિવસોમા ભુજ સહિત અન્ય વિસ્તારોમાં પણ ફાયર વિભાગ દ્રારા આવા ટ્યુશન પર ચેકીંગ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાશે. જોકે, ભૂકંપ ઝોન ૫ માં આવતા કચ્છ માટે આમેય જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સેફટીના સાધનોની જરૂરત છે, ત્યારે જોવું એ રહ્યુ કે, આવી કાર્યવાહી પછી વિદ્યાર્થીઓના બચાવ માટે કેટલી અસર કેટલી થાય છે.

(3:50 pm IST)