Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કોંગ્રેસ શાસિત ચોટીલા પાલિકાનાં જનરલ બોર્ડમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભાજપનાં ૧૦ સદસ્યોનો વિરોધ

પેટાચૂંટણી બાદ સર્વ પ્રથમ સભાનાં વિરોધ થી રાજકિય ગરમાવો

ચોટીલા, તા.૨૬:  કોંગ્રેસ શાસિત ચોટીલા નગર પાલિકામાં શુક્રવારના બપોરનાં યોજાયેલ સામાન્ય સભામાં ભાજપનાં ૧૦ સદસ્યો સાથે કોંગ્રેસના સદસ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખે એજન્ડાનાં તમામ મુદ્દાઓનો વિરોધ કરતા પાલિકાના રાજકારણનો પારો ૪૫ને પાર થઈ ગયેલ છે.

૨૪ સદસ્યોની બોડી ધરાવતી પાલિકામાં તાજેતરમાં પેટા ચૂંટણી બાદ બંન્ને પક્ષો બરાબરની ભૂમિકામાં આવ્યા બાદ પ્રથમ સામાન્ય સભામાં વિરોધની તડાફડી બોલતા શહેરનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલ છે

બપોરનાં ત્રણ કલાકે સરકારી અધિકારીની હાજરીમાં સામાન્ય સભા યોજાયેલ જેમાં પેટા ચૂંટણીમાં નવા ચૂટાયેલ ભાજપનાં સભ્યનું સ્વાગત કરી કાર્યવાહી આગળ ધપાવતા વિપક્ષનાં નેતાએ ભાજપનાં દશ સભ્યોની સહીઓ સાથે એજન્ડાનાં ક્રમાંક ૧ થી ૧૨ના તમામ મુદ્દાઓ અને અધ્યક્ષ સ્થાને જે મુદ્દાઓ આવે તેનો લેખીત વિરોધ નોધાવેલ તેમજ પાલિકાનાં સદસ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખે પણ મોખીક વિરોધ વ્યકત કરી એજન્ડા સાથે અસહમતી દર્શાવતા સામાન્યસભામાં અચંબો ફેલાયેલ હતો

પાલિકાની સામાન્ય સભાનાં એજન્ડામાં ૨૩/૨/૧૮ ની સામાન્ય સભાની કાર્યવાહી નોંધબહાલી આપવા, ૧૬/૨/૧૮ થી ૨૪/૫/૧૮ નાં ખર્ચ બીલોને મંજુરી, સ્વચ્છ ભારત મિશનની /યુપીડી/મનોરંજનકર/વયવશાય વેરા અને એસ સી એસ પી ગ્રાન્ટમાંથી વિકાસનાં કામો નકકી કરવા, ૧૪ માં નાણાપંચનાં આવેલ ઓન લાઇન ટેન્ડરના નિર્ણય કરવા અંગે તેમજ અધ્યક્ષ સ્થાને થી રજુ થાય તે સહિતનાં મહત્વનાં મુદદાઓનો એજન્ડામાં સમાવેશ હતો.

માત્ર ભ્રષ્ટાચાર થયો છે, ભાજપનાં કોઇ વોર્ડમાં કામ નથી થયા જેથી ૧૦ ભાજપ અને ૧ કોંગ્રેસ મળી ૧૧ સભ્યોએ વિરોધ કરી બોર્ડ ના મંજૂર કર્યું છેૅં- જયદિપભાઇ ખાચર (વિપક્ષનાં નેતા પાલિકા)

૨. પ્રમુખ જો હુકમી થી વહિવટ ચલાવે છે, ભ્રષ્ટાચાર પણ થતો હોય છે, જે અંગે એસીબી ની વિવિધ મુદ્દે તપાસ ચાલુ છે, અમારી વ્યકિતગત જવાબદારી ફિકસ થવા દેવા માંગતો નથી તેથી વિરોધ વ્યકત કર્યો છે. અજય સામંડ (સદસ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ)

૩. સામાન્યસભા બહુમતી થી મંજુર કરેલ છે કાસ્ટિંગ મત થી પાસ કરેલ છે અમારો એક સભ્ય ભાજપ સાથે સંકળાયેલ છે, રાગદ્વેષ વગર ભાજપ સહિત તમામ વોર્ડમાં કામો કરેલ અને આગળ પણ કરીશું લોકોને દેખાય છે આ વિરોધ માત્ર રાજકિય સ્ટંટ છે. રવુભાઇ ખાચર (પ્રમુખ ચો. ન. પા)

૪. કાયમી સી.ઓ રજા ઉપર હોવાથી કલેકટર ની ટેલીફોનીક સુચનાથી મે પાલીકાની સામાન્ય સભાની કાર્યવાહી સંભાળેલ જેમાં વિપક્ષનાં નેતાએ ભાજપનાં ચૂટાયેલ ૧૦ સભ્યોની સહી સાથે એજન્ડાનાં તમામ મુદ્દે લેખીત અને કોગ્રેસના એક સભ્યે મોખીક વિરોધ નોધાવેલ છે. જે. એલ. ઘાડવા (ઈન્ચાર્જ મામલતદાર ચોટીલા)

સામાન્યસભા વિપક્ષનાં વિરોધ સાથે કોગ્રેસનાજ જવાબદાર હોદ્દો સંભાળતા સભ્યે વિરોધ દર્શાવતા બેઠક ની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનેલ છે ત્યારે પાલિકા નું રાજકારણ આવનાર દિવસોમાં કંઇક નવા વળાંક લે તો નવાઇ નહી તેવું હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે.

(12:40 pm IST)