Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગોંડલ રોડ શિવ હોટેલ પાસે વહેલી સવારે બે વાહન અકસ્માતઃ છોટાઉદેપુર-નડિયાદ પંથકના ૭ ઘવાયા

દ્વારકા દર્શને જતાં માજરોલના પરિવારની કારનો ડ્રાઇવર રસ્તો પુછવા ઉભો રહ્યો ત્યાં પાછળ આઇસર અથડાયું: એ જ સ્થળે ટેમ્પો ટ્રાવેલર્સ ટ્રક પાછળ અથડાતાં નડિયાદના ૬ લોકોને ઇજાઃ સોમનાથ દર્શને કરવા જતાં હતાં

દ્વારકા દર્શને જવા નીકળેલા નડિયાદના લોકોને અકસ્માત નડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં

રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ ચોકડીથી આગળ શિવ હોટેલ પાસે વહેલી સવારે બે જુદા-જુદા અકસ્માતમાં છોટાઉદેપુરના બે લોકો અને નડીયાદના છ લોકોને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ તમામ દ્વારકા અને સોમનાથ દર્શન કરવા જુદા-જુદા વાહનોમાં જઇ રહ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુરના સંખેડા તાબેના માજરોલ ગામે રહેતાં મધુબેન હિતેન્દ્રભાઇ રોહિત (ઉ.૪૫), નિલેષભાઇ હિતેન્દ્રભાઇ રોહિત (ઉ.૨૦) સહિતના આઠ લોકો ક્રુઝર ભાડે બાંધી દ્વારકા દર્શન કરવા જવા નીકળ્યા હતાં. સવારે પાંચેક વાગ્યે ગોંડલ રોડ શિવ હોટેલ પાસે ડ્રાઇવર  વાહન ઉભુ રાખી રસ્તો પુછવા ગયો ત્યાં પાછળ આઇસર અથડાતાં મધુબેન અને નિલેષભાઇને ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલમાં ખસેડાયા હતાં.

બીજો અકસ્માત પણ સવારે સાડા પાંચ આસપાસ શિવ હોટેલ પાસે જ બન્યો હતો. નડિયાદના જુદા-જુદા પરિવારના નવ લોકો ટેમ્પો ટ્રાવેલર્સ ભાડે બાંધી સોમનાથ દર્શન કરવા જવા નીકળ્યા હોઇ સવારે રાજકોટ ગોંડલ રોડ પર પહોંચ્યા ત્યારે તેનું વાહન ટ્રક પાછળ અથડાતાં નડિયાદ ડુંગરા નગરના મનિષભાઇ કનૈયાલાલ સોની (ઉ.૪૪), દક્ષય કોૈશીકભાઇ સુથાર (ઉ.૨૭), અક્ષય મનોજભાઇ પટેલ (ઉ.૨૨), કૃષ્ણકાંત સુભાષભાઇ પટેલ (ઉ.૨૨), કિરણબેન મનિષભાઇ સોની (ઉ.૩૯), અક્ષર મનિષભાઇ સોની (ઉ.૧૬) તથા ટેમ્પો ટ્રાવેલર્સના ચાલક અખીલ (ઉ.૨૫)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરતાં બંને બનાવમાં પીએસઆઇ આર. વી. કડછા અને કેતનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:54 am IST)