Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ભુજની જનરલ હોસ્પિટલમાં ૫ મહિનામાં ૧૧૧ બાળકોના મોતથી અરેરાટી

ભુજ, તા.૨૬ : છેલ્લા ચાર દિવસથી અદાણી સંચાલીત કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે. જનરલ હોસ્પિટલના NICU વિભાગના બાળકોના મોત મામલે મોટો વિવાદ ઉભો થયો છે. એક તરફ મૃતક બાળકોના પરિવારજનો અને કોંગ્રેસ, અદાણી GK હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો સાથે તેમનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ GKનું સંચાલન કરતા અદાણી ગેઇમ્સ માનવીય સંવેદના ભૂલીને આંકડાની માયાજાળ રચી કયાંક કયાંક ને પોતાનો બચાવ કરે છે. બાળકોના મોત મામલે હોસ્પિટલની બેદરકારી નથી. પરંતુ સંપૂર્ણ ઘટનામાં કયાંયે સંવેદનાનો અહેસાસ પણ વરતાતો નથી. માસુમ ફૂલ જેવા બાળકોના મોત બાદ તેમના પરિવારજનોને સાંત્વના આપવી કે પછી બાળ મૃત્યુની દુઃખદ ઘટના પછી એવો ખુલાસો કરવો કે હમણાં મૃત્યુ આંક ઘટ્યો છે, પહેલા વધુ બાળકોના મોત થતા હતા આવા નિવેદનો આઘાતજનક છે. પાંચ મહિનામાં ૧૧૧ બાળકોના મોત બાદ પણ આ મામલે દુઃખ કે સંવેદના વ્યકત કરતુ કોઈ નિવેદન હોસ્પિટલ સંચાલકો દ્વારા અત્યારસુધી આપ્યું નથી. આજે પણ સ્થાનીક માધ્યમો સાથે પ્રાદેશીક માધ્યમોએ બાળકોના મોતનું સત્ય જાણવા માટે હોસ્પિટલમાં લાંબો સંધર્ષ કર્યો હતો. ત્યારબાદ અદાણીએ બાળકોના મોતના કારણો અને મોતના આંકડા અંગે સત્તાવાર રીતે અદાણી ગેઇમ્સ ના સંચાલકોએ માહિતી આપી હતી. પરંતુ, બાળકોના મોતની ઘટના દુઃખદ છે, તે અંગે કોઇ નિવેદન અદાણી દ્વારા અપાયુ નહી. હા તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે,ચાલુ વર્ષે માત્ર(?) પાંચ મહિનામાં ૧૧૧ બાળકોના મોત થયા છે.

અદાણીએ વર્ષ ૨૦૧થી અત્યાર સુધી મૃત્યુ પામેલા બાળકોના મોતના આંકડા સતાવાર જાહેર કર્યા હતા. જેમાં વર્ષ ૨૦૧૫માં ૧૬૪ બાળકો ૨૦૧૬માં ૧૮૪ બાળકો અને ૨૦૧૭માં ૨૫૮ બાળકો અને ચાલુ વર્ષે ૨૦૧૮ માં પાંચ જ મહિનાની અંદર ૧૧૧ બાળકોના મોત થયા છે.

બાળ મૃત્યુ ના હોબાળા ના પગલે એક તરફ સરકારે તપાસના આદેશ તો આપ્યા છે, અને આરોગ્યની ટીમ તપાસ માટે ગાંધીનગર થી ભુજ આવશે. પરંતુ અદાણી સામે થઇ રહેલા વિવાદો પછી મીડીયા સમક્ષ નવાઇ વચ્ચે આંકડાઓની માયાજાળ અને બાળકોના મોતના કારણો અંગે ખુલાસો કરવા માટે અત્યાર સુધી મૌન રહેલા સીવીલ સર્જન જીજ્ઞાબેન દવે ઉપાધ્યાય પણ ઉપસ્થિત થયા હતા. જો કે, તેમણે આ ધટના અંગે થોડી સંવેદના સભર વાત કરી હતી કે, કોઈ ડોકટર ન ઇચ્છે કે દર્દી મૃત્યુ પામે અને બાળકોના મોતની આ ઘટના અંગે ખેદ વ્યકત કર્યો હતો. પરંતુ અત્યાર સુધીની તેમની સીવીલસર્જન તરીકેની તપાસમાં અદાણી ગેઇમ્સની બેદરકારી કયાંયે સામે ન આવી હોવાનુ જણાવ્યુ હતું.

(11:46 am IST)