Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મહિલાઓમાં થતા ગર્ભાશયના કેન્સરને અટકાવવા ભૂજમાં ૧૭૦૦ કિશોરીઓને મફતમાં રસી મૂકાશે

સ્વામીનારાયણ મંદિર દ્વારા કાલે કચ્છમાં મેગા મેડીકલ કેમ્પ : આફ્રિકાના NRI દાતાએ ૧ કરોડનું આપેલુ દાન : અન્ય રોગોની પણ વિનામુલ્યે તપાસ-સારવાર

ભુજ, તા.૨૬ : ભુજ માં આયોજિત નિઃશુલ્ક ચેકઅપ અને સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ માં કચ્છ જિલ્લા માં પ્રથમ જ વાર મહિલાઓમાં થતા ગર્ભાશયના કેન્સર ને અટકાવવા માટે રસી મુકવામાં આવશે. ભુજના સ્વામિનારાયણ મંદિરના પંટાગણમાં રવિવારે યોજાનાર આ કેમ્પ વિશે શાસ્ત્રી સ્વામી સુખદેવસ્વરૂપદાસજીએ 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડો. અરુણ પરીખ અને ડો. જે. કે. દબાસીયા દ્વારા ૧૦ થી ૧૪ વર્ષની દીકરીઓને 'વેકસીન' અપાશે. આ 'વેકસીન'ના કારણે આ દીકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયનું કેન્સર નહીં થાય. અંદાજિત ૩૫૦૦ રૂપિયાની કિંમતની ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી આ રસી ૧૭૦૦ જેટલી દીકરીઓને અપાશે. આ સિવાય અન્ય રોગોમાં ૨૦ વર્ષથી નીચેના બાળકો જેને હૃદય, પેશાબ, હાડકા, કિડની, મગજ, ડાયાબીટીસની તકલીફ કે અન્ય રોગો હોય તેમનું નિદાન નિઃશુલ્ક કરાશે અને સારવારની મદદ સંસ્થાના નિયમ પ્રમાણે અપાશે. ૪૦ વર્ષથી નીચેના વ્યકિતને હૃદય, આંતરડા, ફેફસા કે અન્ય સર્જીકલ પ્રોબ્લેમ હોય તેમનું નિઃશુલ્ક નિદાન કરાશે અને સારવારની મદદ નિયમ પ્રમાણે અપાશે. મહિલાઓ માટે (વંધ્યત્વ સિવાય)ના તમામ રોગો નું નિઃશુલ્ક નિદાન કરાશે. આંખના તમામ રોગો અને ડાયાબીટીસ ના કારણે થતી આંખના પડદાની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરાશે.

આ કેમ્પનું નામ સદગુરૂ 'સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ ૨૦૧૮' રખાયું છે. આ મેડિકલ કેમ્પ ભુજ સ્વામિનારાયણ મંદિરના ચાર અક્ષરનિવાસી સંતો પૂ. સદગુરૂ સ્વામી કેશવપ્રસાદદાસજી, પૂ. સ્વામી ભકિતવલ્લભદાસજી, પૂ. સ્વામી ધર્મપ્રસાદદાસજી અને પૂ. સ્વામી વિશ્વજીવનદાસજીની પુણ્યસ્મૃતિમાં યોજાઈ રહ્યો છે. આ કેમ્પ માટે મૂળ ફોટડી(ભુજ)ના અને હાલે મોમ્બાસા રહેતા હસમુખભાઈ ભુડિયા અને સુરજભાઈ ભુડિયા એ એક કરોડ રૂપિયાનું માતબર દાન માનવસેવા માટે આપ્યું છે. આ કેમ્પનો પ્રારંભ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂ.સ્વામી ધર્મનંદનદાસજી, પૂ. સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતમાં થશે. કેમ્પ માટે કચ્છી લેવા પટેલ હોસ્પિટલ દ્વારા સહયોગ મળી રહ્યો છે. આ સમગ્ર આયોજન કોઠારી સ્વામીશ્રી દેવપ્રકાશદાસજી સાથે અન્ય સંતો શ્રી દિવ્યસ્વરૂપસ્વામી, શ્રી પરમેશ્વરસ્વરૂપસ્વામી, શ્રી શાંતિસ્વરૂપસ્વામી, શ્રી સુખદેવસ્વરૂપસ્વામી સંભાળી રહ્યા છે. તો ટ્રસ્ટીઓ રામજીભાઈ વેકરીયા, મુળજીભાઈ શિયાણી ની સાથે હરિભાઈ હાલાઈ, ગોપાલભાઈ ગોરસીયા અને અરજણભાઈ પિંડોરીયા સહિતના અન્ય આગેવાનો આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે.

(11:39 am IST)