Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સાયલામાં ૩દિ'માં લૂ થી વધુ એક પુરૂષનું મોત

રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો છતા બફારો યથાવત

રાજકોટ તા.૨૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ગરમીની અસર યથાવત છે અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ જતા લોકોને આકરા ઉનાળાનો અનુભવ થઇ રહયો છે.

સવારના ર્સૂ્યનારાયણના દર્શન થતાની સાથે જ બફારાનો અનુભવ થઇ રહયો છે.

ત્રણ દિવસ પહેલા સુરેન્દ્રનગર જીલ્લાના સાયલામાં એક મહિલાનું મોત નિપજયા બાદ સાયલામાં વધુ એક મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 સાયલામાં ખેતરમા઼ કામ કરી રહેલા ૫૦ વર્ષના લક્ષ્મણભાઇ વાલજીભાઇ મોંધરીયાને ''લૂં'' લાગતા ખેતરમાં ઢળી પડયા હતા અને મોત નિપજયું હતું.

સોૈરાષ્ટ્રમાં છેલ્લાં એક સપ્તાહથી તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી સુધીની વિક્રમી સપાટી એ રહયો છે. હજુ પણ ગરમી નું મોજું યથાવત હોય તેમ સોૈરાષ્ટ્ર ના અનેક શહેરોમાં ૪૦ ડિગ્રી ઉપર અને ૪૪ ડિગ્રીને નજીક આકરા તાપમાનને કારણે જનજીવન ત્રસ્ત બની ગયું છે. કાળઝાળ ઉનાળાએ લોકોના રોજિંદા વ્યવહાર ઉપર અસર પાડી છે.

 ખાસ કરીને બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી સોૈરાષ્ટ્રના ઉંચા તાપમાન ધરાવતાં શહેરોમાં તો કુદરતી કફર્યુ જેવી સ્થિતિ સર્જાય છે. લોકો મોટા ભાગે ઘર કે ઓફિસોમાં જ રહેવાનું પસંદ કરે છે. તંત્રએ પણ એલર્ટ આપી લોકોને આકરા તડકામાં છાયડામાં રહેવાની તાકીદ કરી છે. કાલે સોૈરાષ્ટ્રમાં સોૈથી વધુ ગરમ શહેર તરીકે સુરેન્દ્રનગર ૪૩.૭ ડિગ્રી સાથે સોૈથી વધુ ગરમ શહેર રહયું હતું. જયારે ભુજ ૪૩ ડિગ્રી અને રાજકોટ ૪૨.૮ ડિગ્રી સાથે ધગધગતા નગરો બની રહયા હતા.

 સોૈરાષ્ટ્રના અન્ય શહેરોના તાપમાન પણ ઉનાળાની આકરી ગરમીથી મુકત નથી. અમરેલી ૪૨.૬, ભાવનગર ૩૮.પ, દ્વારકા ૩૪, ઓખા૩૫, વેરાવળ ૩૩, દિવ ૩૫.૨, મહુવા ૩૮.૮, નલિયા ૩૬.ર, કંડલા પોર્ટ ૩૭.૪, તથા કંડલા એરપોર્ટ ૪૨.૫ ડિગ્રી તાપમાન રહયું હતું. છેલ્લા બે ત્રણ દિવસથી કાળઝાળ ગરમી વચ્ચે પણ સવારે આકાશમાં વાદળોની જમાવટ જોવા મળે છેજે દિવસ ચઢતાં વિખેરાઇ જાય છે. પણ કાળઝાળ તાપના દિવસો હવે જવામાં છેે એવું આશ્વાસન મળે છે.

 જો કે દિવસમાં લઘુત્તમ તાપમાન વચ્ચે ખાસ્સો ચડાવ ઉતાર જોવા મળે છે. સોૈરાષ્ટ્રના મોટાભાગના શહેરોનું તાપમાન ૨૫ થી ૨૮ ડિગ્રી વચ્ચે રહે છે. જયારે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ આકરાા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૮ મહત્તમ, ૨૭ લઘુત્તમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૭.૫ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:38 am IST)