Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સાંસ્કૃતિક નગરી ભાવનગરમાં 80 કરોડના ખર્ચે 20 એકરમાં પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ બનાવાશે

ભાવનગર ઉપરાંત રાજકોટ, પાટણ, ભૂજ અને વડોદરા પણ સંગ્રહાલય સ્થપાશે

ભાવનગર :કલા અને સંસ્કૃતિ માટે જાણીતા ભાવનગર હવે કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાનની ભૂમિ બનશે. 80 કરોડના ખર્ચે પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય(રિજીયોનલ સાયન્સ મ્યુઝિયમ-RSM) બનાવાશે તેવી જાહેરાત ભાવનગરના પ્રભારી અને શિક્ષણ ક્ષેત્રે રાજ્યકક્ષાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

   ભાવનગરમાં નારી ગામ પાસે 20 એકર જમીનમાં RSMનો શિલાન્યાસ કરતાં, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે સરકાર રાજ્યમાં 5 પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય વિકસાવવા જઈ રહી છે. જે ભાવનગર ઉપરાંત રાજકોટ, પાટણ, ભૂજ અને વડોદરા ખાતે ઉભા કરવામાં આવશે. જેના થકી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રનો વિકાસ કરાશે.

  તેમણે વધુંમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં RSM થકી યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેનના જુસ્સામાં વધારો કરાશે. જેને પરિણામે ભારતને નવી ઉંચાઈઓએ લઈ જવા માટે યુવાનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દીને નવી પાંખો મળશે.

   RSM ભાવનગર વિશે સેક્રેટરી ધનંજય દ્વીવેદીએ જણાવ્યું હતું કે RSM ભાવનગર એ સાયન્ટિફિક ગેલેરીઝને મળતું આવતું સંસ્થાન છે. જે પરિચય આપવા માટે હાથ અને વિશાળ ફલકની દ્રષ્ટિએ મગજ બનશે. 20 એકર જમીનમાં પથરાયેલું RSM ભાવનગર વાઈબ્રન્ટ ડિઝાઈન ધરાવતું હશે. જે સતત જાણવાની ઉત્સુકતા ધરાવતા લોકો માટે સિમાચિહ્ન રૂપ નિવડશે. તેમાં વિવિધ ગેલેરીઓ જેવી કે ઓટોમોબાઈલ, મરીન એક્વેટિક સાયન્સ, બાયોલોજી, ઈલેક્ટ્રો-મેગ્નેટિક અને નોબલ પ્રાઈઝ ગેલેરી( મેડીસીન) હશે.

  RSM ભાવનગરના ખાતમુહૂર્તની ઐતહાસિક પળના અમરેલી, બોટાદ, ભાવનગરના 1000થી વધું વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને સાક્ષી રહ્યાં હતા. તેઓએ સ્પેશિયલ સાયન્સ આઉટરીચ પ્રોગામ અને ક્વીઝ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને ઈનામો જીત્યા હતા તેમજ સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા.

  RSM ભાવનગર આશરે 80.72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. તેને આગામી 18 મહિનામાં તૈયાર કરી દેવાશે. તેમ પણ જણાવવામાં આવ્યું છે. જેના નિર્માણમાં અનેક કંપનીઓનો પણ ફાળો રહેશે.

(12:36 am IST)