Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કલેકટર, પ્રાંત અધિકારીએ હળવદને રામભરોસે મૂક્યું : ધારાસભ્ય સાબરીયા

જિલ્લા ભાજપ પ્રમુખ હળવદની મુલાકાતે આવતા ધારાસભ્યની ઉગ્ર રજુઆત

હળવદ : કોરોના મહામારી વચ્ચે હળવદની સ્થિતિ અત્યંત દયાજનક હોવા છતાં કલેકટર કે પ્રાંત અધિકારી હળવદ પ્રત્યે ધ્યાન ન આપતા હોવાથી હળવદ હાલ રામભરોસે મુકાયું હોવાનો આરોપ ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ લગાવ્યો છે. આજે હળવદ સિવિલની મુલાકાતે આવેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ સમક્ષ ધારાસભ્યએ ઉગ્ર રજુઆત કરી હતી અને સરકારમાં રજુઆત કરવા છતાં કલેકટર કે પ્રાંત હળવદની ગંભીર સ્થિતિ ધ્યાને લેતા ન હોવાનું રોષભેર જણાવ્યું હતું વહેલી તકે હળવદમાં દર્દીઓને પડી રહેલી હાલાકી દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
પાછલા વીસેક દિવસથી હળવદમાં કોરોનાને લઈ ભારે સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી કે આરોગ્ય વિભાગ હળવદ પ્રત્યે કોઈપણ પ્રકારનું ધ્યાન ન દેતા હોવાનો સનસનીખેજ આક્ષેપ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા કરવામાં આવ્યો છે. આજે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા હળવદ સરકારી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તે વેળાએ ધારાસભ્ય એ જણાવ્યું હતું કે કલેકટર, પ્રાંત અધિકારી કે પછી આરોગ્ય વિભાગ હળવદ પ્રત્યે કોઈપણ પ્રકારનું ધ્યાન દેતા નથી. જેને કારણે આજે હળવદમાં સ્થિતિ દયાજનક થઈ ગઈ છે.
વધુમાં, ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોને જરૂરી ઉપયોગી થઇ રહી છે પરંતુ તકલીફ એ છે કે અહીં મેનેજમેન્ટનો અભાવ છે. આ જવાબદારી કલેક્ટરની અને આરોગ્ય શાખાની હોય છે પરંતુ તેઓએ હળવદ પ્રત્યે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ ઓરમાયુ વર્તન કર્યું છે. જો અમે ડોક્ટરની રજૂઆત કરીએ તો તેઓ દ્વારા કહેવામાં આવે છે કે તમે ડોક્ટર ગોતી દયો? આવી પરિસ્થિતિમાં કલેકટરને રજૂઆત ન કરીએ તો કોને કરીએ?હળવદ હોસ્પિટલમાં ઓક્સિજનની સેન્ટ્રલ લાઈન આવવા છતાં પણ હળવદ સરકારી હોસ્પિટલમાં હજુ સુધી બેડ વધારવામાં આવ્યા નથી. હળવદના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ કોરોનાથી લોકો મૃત્યુ પામી રહ્યા છે. કારણ કે પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવતા નથી.
મોરબી સિરામિક એસોસિએશન દ્વારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટીંગ કીટ મોકલી છે પરંતુ હળવદમાં પૂરતા ટેસ્ટિંગ કરવામાં આવતા નથી. તંત્ર માત્ર ઓફિસમાં બેઠુ-બેઠુ જ આંકડા બતાવી રહ્યું છે. આજે પણ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ એવી છે કે લોકો ઘરે ઓક્સિજનના બાટલા લઈ સારવાર લઇ રહ્યા છે. અમે હળવદ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા આપ્યા પરંતુ હવે તેને ભરાવવાનો પ્રોબ્લેમ પડી રહ્યો છે. પ્રાંત અધિકારી, કલેક્ટર કે પછી આરોગ્ય વિભાગ કોઈપણ પ્રકારની ધ્યાન દેતા નથી. જેથી, લોકોને તકલીફ પડી રહી છે.

(6:15 pm IST)