Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગોંડલમાં વૃધ્ધાનો જીવ બચાવવા તબીબ અને તેનો સ્ટાફ રેકડી લઇને દોડયા પરંતુ જીવ બચાવી ન શકયા

લોકોએ વિડીયો બનાવ્યા ફોટા પાડયા પણ મદદ માટે કોઇ આગળ ન આવ્યું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : ગોંડલના પેલેસ રોડ ઉપર ગાયનેક હોસ્પિટલ ધરાવતા ડોકટર હિતેશ કાલરીયા હોસ્પિટલમાં ઓપીડી કરી રહ્યા હતા ત્યારે બે મકાન દૂર પાડોશમાં જ રહેતા ચંદ્રિકાબેન દિનેશભાઈ પારેખ રોડ ઉપર કણસતા હતા. અલબત તેમની સાથે તેનાં પુત્રવધુ હતા. જે ડોકટરની મદદ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. આ વેળાં ડોકટર હિતેશ કાલરીયા તેમના ઓટી આસિસ્ટન્ટ અશોકભાઈ અને સિકયુરિટીમેન ત્રણે જણા મદદ માટે દોડી ગયા હતા. વૃદ્ઘાનો વજન આશરે ૧૦૦ કિલો જેવો હોય રિક્ષામાં બેસી શકે તેમ ન હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ સતત વેઇટિંગમાં હોય રાહ જોઈ શકાય તેમ ન હતી હોસ્પિટલની સામે ઉભા રહેતા નારિયેળ પાણી વાળાની રેંકડી ઉપર તબીબની નજર પડતા તુરંત જ તેમાં વૃદ્ઘાને સુવડાવી નજીકની ડોકટર પિત્રોડાની ઓમ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા હતા પરંતુ વૃદ્ઘાનો જીવ બચી શકયા ન હતા.

ડોકટર હિતેશ કાલરીયા દ્વારા આવતા જતા લોકોને મદદ માટે પોકાર કરવામાં આવી હતી પરંતુ કોરોનાની બીકના કારણે કોઈ આગળ આવી રહ્યું ન હતું અને માત્ર મોબાઈલમાં વિડીયો શુટીંગ ફોટા પાડી તમાશો જોયા કર્યો હતો જેનું તબીબને ઘણું દુઃખ થવા પામ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વૃદ્ઘાના પતિ અને પુત્ર બીમાર હોય તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી બાજુ પુત્રવધુ સાસુની તબિયત વધુ નાદુરસ્ત થતાં દવાખાને લઈ જઈ રહ્યા હતા પરંતુ પુત્રવધુ અને તબીબની મહેનત કારગર નીવડી નહોતી.

(11:38 am IST)