Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

લખતરમાં મોતીસર તળાવમાં કાર ખાબકતા અફડાતફડી મચી

સદનસીબે ચાલકનો આબાદ બચાવ તળાવની પેરાફીટ રિપેટ કરવા માંગ

વઢવાણ,તા. ૨૬: સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર નજીક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો જેમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ કારને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ખાતે ખાણી-પીણીની લારી ધરાવી પરિવારનું ગુજરાન ચલાવતાં ફકીર જાવેદભાઈ અકબશા પોતે કાર લઈને હોસ્પીટલથી ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન રાજુલાપીર દાદાની મસ્જીદ સામે મોતીસર તળાવની તુટેલી પેરાફીટના કારણે કાર તળાવમાં ખાબકી હતી જો કે સદ્દનસીબે ચાલક જાવેદભાઈનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાની ટળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનીક રહિશો સહિત ગ્રામજનો દ્વારા અવાર-નવાર આ પેરાફીટને રીપેરીંગ કરવાની રજુઆતો લખતર મામલતદાર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને કરવા છતાં કોઈ જ રીપેરીંગ કે કામગીરી કરવામાં ન આવતાં અવાર-નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે અને ગ્રામજનોને હાલાકી પડી રહી છે ત્યારે તાત્કાલીક કોઈ મોટી જાનહાની થાય તે પહેલા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:32 am IST)