Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

૪૨.૪ ડિગ્રી વચ્ચે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકશાન

ગોંડલ, જોમધપુર, ધ્રોલ, સુરેન્દ્રનગર,ટંકારા, વિરપુર (જલારામ) પંથકમાં કરા સાથે માવઠુ વરસતા ભર ઉનાળે થોડી વાર ટાઢક છવાઇ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છના જુદા -જુદા વિસ્તારોમાં કાલે માવઠુ વરસ્યુ હતું. જેની તસ્વીર (તસ્વરીઃ ભાવેશ ભોજાણી (ગોંડલ), દર્શન મકવાણા (જામજોધપુર) કિશન મોરબીયા-(વિરપુર -જલારામ)

રાજકોટ,તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપમાં કમોસમી વરસાદ વરસતા ઉનાળુ પાકને નુકશાન થયું છે. ગઇ કાલે બપોર બાદ જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં હવામાનમાં પલટો આવ્યો ત્યારે સૌથી ઉંચુ મહતમ તાપમાન કચ્છના ભુજમાં ૪૨.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૨.૩, ગાંધીનગર ૪૨, અમદાવાદ ૪૧.૯, ડીસા ૪૧ે૮, વડોદરા ૪૧.૬, રાજકોટમાં ૪૧.૦ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાયા હતા અને ભર ઉનાળે કમોસમી વરસાદ તૂટી પડયો હતોમોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાગામડામાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.

ટંકારાના મિતાણા રોડ ઉપર ના હમિરપર નેકનામ ધ્રોલિયા સખપર સહિતના ગામડામા ધોધમાર કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો રોડ ઉપર રીતસરના પાણી વહેવા લાગ્યા છે

ગાજ વિજ સાથે પવન થી અફડાતફડી મચી જવા પામી છે ઉનાળુ પાકને નુકસાન થાય એવો વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.તાલુકાના ખેંગારકા , પીપરટોડા, ગરેડીયા સહિતના ગામડા વરસાદ પડ્યો હતો.વરસાદ પડવાથી ખેડૂતોના ઉનાળુ પાક તલ,મગ અને બાજરીના પાકમાં નુકસાન થયું છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ, વીરપુર જલારામ, દેવચડી, ભરુડી ટોલનાકા, કોટડા સાંગાણી, અનિડા ભાલોડી, બોધરાવદર, ગોલીડા, લોધિકાના ખીરસરા , જામનગર જિલ્લાના જામજોધપુર સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.

રાજકોટ શહેરમાં પણ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળા છવાઈ ગયા હતા જોરદાર પવન ગાજવીજ સાથે વરસાદ અનેક વિસ્તારમાં વરસ્યો હતો.

પડધરી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી : પડધરી શહેર અને પડધરી ગ્રામ્ય વિસ્તારમાં સાંજે ૫:૧૫ વાગ્યાથી કાળા ડીબાંગ વાદળ છવાયા હતા. અને તોફાની પવન શરૂ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયેલ છે. પવનના લીધે ઘણા ઇલેકટ્રીક પોલ પડી જતા સાંજે જ વિજ પુરવઠા ખોરવાઇ ગયેલ છે. જે પુનઃ શરૂ કરવા પીજીવીસીએલ ના કર્મચારી દ્વારા તાત્કાલીક કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ઘણા વિસ્તારમાં કમોસમીના હળવા ઝાપટા પડેલ છે. જેથી ઉનાળુ પાકેન પારવાર નુકસાન થયેલ છે.

વિરપુર (જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) : સૌરાષ્ટ્રમાં ચૈત્ર માસમાં આકરા તાપ અને ગરમી વરસતી હોય છે ત્યારે યાત્રાધામ વિરપુર સવારથી જ આકરી ગરમીનું વાતાવરણ હતું ત્યારે અને સવાર થીજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ જેમને લઈને વિરપુર પંથકમાં બપોર બાદ ઓચિંતા હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો,વાદળછાયા વાતાવરણ વચ્ચે યાત્રાધામ વિરપુર તેમજ વિરપુર પંથકના આજુબાજુ વિસ્તારમાં સાંજના સુમારે ભારે પવન સાથે તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો ત્યારે યાત્રાધામ વિરપુર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો હતો, યાત્રાધામમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો વાદળછાયા વાતાવરણ સાથે બપોર બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો જેમને લઈને વિરપુરના રોડ રસ્તાઓ ભર ઉનાળે ચોમાસાની જેમ પાણી પાણી થઈ ગયા હતા.

કોટડાસાંગાણી

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી : કોટડાસાંગાણી સહીતના આસપાસના ગામોમા સાંજના છ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.તો બીજી તરફ ખેતરોમાં પડેલ ડુંગળી અને લષણને નુકસાન થતા ખેડુતો પર આભ ફાટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

કોટડાસાંગાણી સહીત આસપાસના ગામોમા સાંજના સુમારે વાતાવરણમા અચાનક પલ્ટો આવ્યો હતો.અને ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો થોડીવાર માટે વરસાદ પહેલા જોરદાર પવન ફુંકાતો ગામમા ધુળની ડમરીઓ ચડી હતી.ત્યારબાદ જાણે ચોમાસાની માફક વરસાદ તુટી પડ્યો હતો.સાથેજ વીજળીના અવાજોથી ગામ લોકો ધ્રુજી ઉઠ્યા હતા.જયારે પુરા દિવસના બફારા બાદ સાંજના સુમારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો બીજી તરફ આ વીસ્તારમા અનેક ખેડૂતોએ ડુંગળી અને લસણનુ વાવેતર કરેલ જેઓનો લરણી કરેલે લષણ તેમજ ડુંગળીનો પાક ખેતરોમાજ પડેલ હોઈ તેવા ખેડૂતોનો પાક પલળી જતા તેઓને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.જગતાત ઉપર જાણે કુદરતે વાર કર્યો હોઈ તે મુજબ ડુંગળી અને લષણનો પાક પલળતા ખેડુતોના કાળજા પર જાણે કુદરતે વાર કર્યો હોઈ તેવી સ્થિતિ નુ સર્જન થયુ છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :ગોંડલમાં સાંજે આકાશ વાદળોથી ગોરંભાયા બાદ વિજળીના કડાકા ભડાકા વચ્ચે મેઘવર્ષા થતાં રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

શહેર હાલ કોરોનાનાં અજગર ભરડામાં હોય બપોરના ભારે તાપમાન બાદ સાંજે ચોમાસાનો માહોલ છવાયો હોય ડબલ રુતુ નાં અહેસાસ સાથે લોકો દિગમુઢ બનવાં પામ્યાં હતાં.વરસાદ વરસતાં ટાઢોડું છવાયું હતું.

જામકંડોરણા

(મનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણા : જામકંડોરણામાં ગઇ કાલે સખત ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો વરસાદ કાળા ડીબાંગ વાદળો છવાયા હતા પવન અને ગાજવીજ સાથે ધીમી ધારે ૧૫ મીનીટ સુધી વરસાદ વરસતા રસ્તાઓ ભીના થઇ ગયા હતા આ કમોસમી વરસાદથી તલ, મગ, અડદ જેવા ઉનાળુ ખેતીના પાકોને નુકશાનીની ભીતી સેવાઇ રહી છે.

વિંછીયા

(પિન્ટુ શાહ) વિંછીયા : વિંછીયામાં રવિવાર સાંજના થોડીવાર માટે એકાએક વાતાવરણ પલ્ટાયુ હતુ અને થોડી વાર પવન ફૂકાયો હતો. જો કે ત્યારબાદ બધુ રેગ્યુલર થઇ ગયુ હતું. પણ રાત્રિના ૯ વાગ્યે એકાએક વીજળી ગુલ થઇ જતા સમસ્ત વિંછીયા નગરના લોકો ગરમીમાં પરસેવે ન્હાયા હતા. ગરમી અને બફારાથી રેબઝેબ લોકોને ડાંહલા જેવા મચ્છરો કરડી ગયા તે બોનસમાં !! વીજળી ગુલ થઇ જતા આવું પીકચર ટુ કલાક ચાલ્યુ !! આખરે રાત્રીના બાર વાગ્યે વીજળી પુનઃ સ્થાપીત થતા વિંછીયા વાસીઓ સુવા ભેગા થયા હતા.

(11:27 am IST)