Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ પ્રેશન ડ્રોપની સમસ્યાઃ ઉદ્યોગ પતિઓનો હલ્લાબોલ

મોરબી, તા.૨૫: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ બાદ તમામ ફેકટરીઓ નેચરલ ગેસ તરફ વળ્યા છે પરંતુ ગેસનો વપરાશ અઢી થી ત્રણ ગણો વધી ગયો હોવાથી નેચરલ ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યા સર્જાઈ છે જેથી આજે પીપળી રોડ પરના ઉદ્યોગપતિઓ એસોના હોદેદારો સાથે ગેસ કંપનીની ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો હતો

પીપળી રોડ ઉપર ગેસનું પ્રેસર મળતુ ન હોવાથી પીપળી રોડના સિરામિક કારખાનેદારોએ ગુજરાત ગેસની ઓફિસે હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆત કરી હતી અને ઓફિસમાં જ નીચે બેસી ગયા હતા. સિરામિક એસોના હોદેદારો નીલેશભાઈ જેતપરિયા, મુકેશ ઉધરેજા, કિશોર ભાલોડીયા અને મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ ૨૦૦ જેટલા ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસની ઓફિસમાં જઈ ઉગ્ર રજુઆત કરી હતી. વધુમાં કારખાનેદારોએ રજુઆતમાં જણાવ્યું હતું કે લો પ્રેસરને કારણે ૨૦ થી વધુ યુનિટોને છેલ્લા ૨૦ દિવસથી દરેક ફેકટરીને દરરોજ લાખોનું નુકશાન જઈ રહ્યું છે તેમજ આજે ગુજરાત ગેસ સાથે મીટીંગ યોજી હતી જેમાં ૨૦ ટકા ગેસ કાપનો નિર્ણય ઓપરેશન ધોરણે અમલી બનશે અને પીપળી રોડ પરના યુનિટોને પ્રેશર મળશે તેવી સહમતી સાધવામાં આવી હતી.

નવી લાઈનો નાખવાની કામગીરી થઇ રહી છે અને સપ્તાહ બાદ સમસ્યા ઉકેલાય જશે તેવી ખાતરી મળી હતી ત્યારે મીટીંગ બાદ સિરામિક એસો પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે ગેસનો વપરાશ ૨૨ લાખથી વધીને ૪૫ લાખ કયુબીક મીટર પહોંચ્યો છે અને ખરેખર ૬૫ લાખની હાલની જરૂરિયાત છે ત્યારે ગેસ પૂરતા પ્રેશર સાથે મળે તેમજ ૨૦ દિવસથી જે યુનિટોને લાખો-કરોડોની નુકશાની આવી છે તેનું વળતર ગેસ કંપની ચુકવે તેવી માંગ કરી છે

લોકસભાની ચુંટણી માટે ગુજરાતમાં મતદાન યોજાયું હતું જોકે મતદાન પૂર્વે જ ગેસના ધાંધિયા અને ગેસમાં લો પ્રેશરનો પ્રશ્ન હોય તાકીદે ગાળા ગામ નજીક પાઈપલાઈન નાખવાનું કાર્ય શરુ કરાયું હતું અને બંધ ફેકટરીઓ પણ શરુ થાય તેવી કાર્યવાહી કરી હતી જોકે હવે મતદાન પૂર્ણ થયું છે અને ફરીથી ગેસમાં લો પ્રેશર ધાંધિયા સર્જાયા છે ત્યારે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે  નવી લાઈનનું કામ પૂર્ણતાને આરે, ઝડપથી સમસ્યા ઉકેલાશે. ગેસના પ્રેશર ડ્રોપ સમસ્યા અંગે ગુજરાત ગેસ કંપનીના ઝોનલ હેડ નીતિન અગ્રવાલ જણાવ્યું હતું કે પીપળી રોડ પરના પ્રેશર ડ્રોપ સમસ્યાના ઉકેલ માટે હાલ નવી લાઈનનું કામ ચાલી રહ્યું છે જેમાં માત્ર ૩૦૦ મીટર કામગીરી બાકી છે અને સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરી સમસ્યા ઉકેલવામાં આવશે તે ઉપરાંત અન્ય એનજી લાઈન નાખવાનો નિર્ણય કર્યો છે જે કામગીરી છ માસમાં પૂર્ણ કરાશે અને ૨૦ લાખ કયુબીક મીટર ગેસ તેના મારફત પૂરો પાડી શકાશે જેથી ભવિષ્યમાં ગેસનો વપરાશ વધતા કોઈ સમસ્યા નહિ રહે અને પુરતો ગેસ સપ્લાય કરી શકાશે.

(11:49 am IST)