Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભાવનગરના નારણ બારીયાના કાવ્યસંગ્રહનું વિમોચન તથા કવિ સંમેલન યોજાયુ

ભાવનગર તા.૨૬ : સાહિત્ય સરિતા મુંબઇ અને રાષ્ટ્રીય અંધજન મંડળના ઉપક્રમે નારણ બારૈયા કૃત કાવ્યસંગ્રહ અથવા તો સસત સતત લોકર્પિત કવિ સંમેલનમાં લાભુભાઇ સોનાણી, નિરવ વ્યાસ સહિતના કવિઓએ કાવ્યપઠન કર્યુ હતુ.

રોમેન્ટીસીઝમ અને પ્રેમ બંને એક નથી કેમકે પ્રેમમાં પીડા કે કરૂણા હોઇ શકે છે જયારે રોમેન્ટીસીઝમ એ કુદરત સાથેનો એવો રોમાંચ છે જેમા માત્રને માત્ર આનંદ અને ઉલ્લાસ જ હોય. નારન બારૈયાનું પુસ્તક અથવા તો સતત સતત આવા પરિશુધ્ધ આનંદને વિવિધ પ્રકારે વ્યકત કરતુ શ્રૃંગારરસસભર પુસ્તક છે જે શબ્દોની સાદગી અને ગહનતા ઉપરાંત શબ્દકોષની બહારના નવા નવા અનેક રોમાંચક શબ્દોને પહેલીવાર લઇને આવ્યુ છે એ ગુજરાતી સાહિત્ય માટે આનંદની ઘટના છે આ શબ્દો છે કવિ ડો.અલ્પેશ કલસારીયાના નારન બારૈયાના રોમેન્ટિસીઝમથી ભરપુર પુસ્તક અથવા તો સતત સતતનું વિમોચન કરતા તેમણે આમ જણાવ્યુ હતુ.

આ સંમેલન સાથે કવિ નારન બારૈયાના રોમેન્ટિસીઝમથી ભરપુર કાવ્યસંગ્રહ અથવા તો સતત સતતનું વિમોચન કરાયુ હતુ. પુસ્તક અને કવિનો પરિચય આપતા કવિ પરેશ કાલસરીયાએ કહ્યુ હતુ કે વાર્તા સંગ્રહ અને શબ્દસંગત જેવો હાસ્યનિબંધ સંગ્રહ આપી ચુકયા છે. જેમાથી રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા શબ્દસંગતનું બ્રેઇલલીપીમાં કન્વર્ઝન પણ થયુ છે.

પુસ્તક વિશેની કેફીયત આપતા નારન બારૈયાએ કહ્યુ કે મે હંમેશા જયારે અંદરથી સહજભાવે જયારે જે કંઇ આવ્યુ છે તે જ કાગળ પર ઉતાર્યુ છે. એટલે મારી ફર્સ્ટ લાઇન જ નહી, ઓલ લાઇન ગોડ ગીવન લાઇન છે. આ કાર્યક્રમમાં કવિ લાભુભાઇ સોનાણી, વિજય રાજયગુરૂ, જીગર જોષી પ્રેમ, નિનાદ અધ્યારૂ, નિરવ વ્યાસ અને નારન બારૈયાએ કાવ્યપઠન કર્યુ હતુ. કાર્યક્રમની સફળતા માટે મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન અને રાષ્ટ્રીય અંધજન મંડળ અને પરિવર્તન પુસ્તકાલય, કાંદીવલી, મુંબઇ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(11:47 am IST)