Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવાયા માર્ક સર્કલ

ભાવનગર તા. ૨૬ : કોરોનાની મહામારી સામે ટક્કર લેવા સમગ્ર ગુજરાતનું વહિવટી તંત્ર ટીમ ગુજરાત બનીને સજ્જ થયું છે ત્યારે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા દરેક આવશ્યક વસ્તુઓના ખરીદી કેન્દ્રો પર લોકો વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે માર્ક સર્કલ કરવાનું સૂચન કરવામાં આવ્યું. જેના પગલે ભાવનગરની જનતાના જાન-માલની રક્ષક એવી જિલ્લા પોલીસે આ નવતર અભિગમની ત્વરિત અમલવારી શરૂ કરી.

કોરોનાની બદી સામેની લડતના ભાગરૂપે ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ, દૂધ કેન્દ્રો, બેન્ક, એટીએમ સહિતની વિવિધ આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાહેર જનતા આરોગ્ય સલામતી સાથે બધી જ આવશ્યક સેવાઓનો લાભ લઇ શકે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જયપાલસિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા પોલીસે આવશ્યક સ્થળો બહાર માર્કિંગ સર્કલ બનાવવાનો નવતર અભિગમ હાથ ધર્યો છે.ઙ્ગ

જયાં નાગરિકોની ભીડ થવાની સંભાવના રહેલી છે તેવા આવશ્યક સેવાના સ્થળો જેવા કે- કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, એટીએમ, દૂધ કેન્દ્રો જેવા આવશ્યક સ્થળોની બહાર સલામત અંતરે માર્ક સર્કલ બનાવવાની કામગીરી ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે કોરોનાની સમસ્યાને વકરતી રોકવાનો એકમાત્ર સૌથી અસરકારક વિકલ્પ સોશિયલ ડિસ્ટન્સિંગનો છે. કોરોનાની સમસ્યાને વકરતી અટકાવવા માટે કરાયેલા લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાના કોઇ પણ સ્થળે માનવ સંપર્કથી કોરોનાનો ચેપ પ્રસરે નહીં તે માટે ભાવનગર જિલ્લા પોલીસે મહત્વના સ્થળોએ સલામત અંતરે માર્ક સર્કલ બનાવવાની મુહિમ છેડીને જનતાની સુખાકારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ઘતા ફરી એકવાર પૂરવાર કરી છે.

(11:40 am IST)