Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કચ્‍છમાં રાત્રે માવઠુઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ વાદળા

કોરોનાનાં સંકટ વચ્‍ચે સર્વત્ર મિશ્ર ઋતુથી લોકોમાં ગભરાટઃ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ

કચ્‍છમાં કમોસમી વરસાદઃ ભુજઃ કચ્‍છમાં વાતાવરણમાં પલ્‍ટા સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. (તસ્‍વીરઃ વિનોદ ગાલા-ભુજ)

રાજકોટ, તા., ૨૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે અને આવા વાતાવરણ સાથે કચ્‍છમાં રાત્રીના માવઠુ થતા ચિંતા પ્રસરી છે. કોરોનાના સંકટ વચ્‍ચે સર્વત્ર મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્‍ય ઠંડક બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે અને સાંજના સમયે કોઇ-કોઇ જગ્‍યાએ વરસાદ પડે છે જેના કારણે મિશ્ર વાતાવરણ છવાયેલુ છે.

જુનાગઢ

જુનાગઢ તા.૨૬: જુનાગઢ સહિત સોરઠમાં  આજે પણ વાદળછાયુ વાતાવરણ રહ્યુ છે. વરસાદી માહોલને લઇ ખેડુતો ચિંતીત બન્‍યા છે.

સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્‍ટો આવેલ છે.  બે દિવસ અગાઉ સોરઠના કેટલાંક વિસ્‍તારોમાં કમોસમી વરસાદ વરસ્‍યો હતો. જેના કારણે ખેડુતોને નુકશાન થયુ હતુ.

આજે બીજા દિવસે પણ જુનાગઢ તેમજ જિલ્લાના અમૂક વિસ્‍તારોમાં સવારથી જ વાદળા છવાયેલા જોવા મળી રહ્યા છે અને કમોસમી વરસાદની શકયતા જોવાઇ રહી છે.

હવામાનમાં પલ્‍ટો યથાવત રહેતા ધરતીપુત્રોના જીવ  પડીકે બંધાય ગયા છે.  બીજી તરફ કોરોનાની મહામારી વચ્‍ચે તાપમાન ઘટતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.

ભુજ

ભુજઃ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસર તળે એકાએક વાતાવરણમાં આવેલા પલટાને કારણે કચ્‍છમાં ઉચાટનો માહોલ છવાયો છે. આજે વહેલી સવારના ત્રણ વાગ્‍યાથી જ સમગ્ર કચ્‍છમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આ લખાય છે ત્‍યારે પણ વરસાદી માહોલ છે. ભુજ, મુન્‍દ્રા, અબડાસા, નખત્રાણા, ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉના અનેક વિસ્‍તારોમાં છુટા છવાયા વરસાદના સમાચાર મળી રહ્યા છે. વરસાદને પગલે ચૈત્ર મહિનામાં ધોમ ધખતા તાપને બદલે એકાએક ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, અત્‍યારે ખેડૂતો ભારે ચિંતા માં મુકાયા છે. એક તો કોરોનાને કારણે લોકડાઉન હોઈ પાક વેચાયો નથી, બીજી બાજુ કમોસમી માવઠું પડ્‍યું છે.

(11:20 am IST)