Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પોલીસની ખોટી ઓળખ આપી એકના ત્રણ લાખની લાલચ આપી ઠગાઇ કરતી ટોળકી પકડાઇ

મોરબી એલસીબીએ ૧.પ૦ લાખની રોકડ રકમ સહિત ૬.૬૦ લાખના મુદ્દામાલ સાથે ૪ શખ્સોને ઝડપી લીધા : માળીયા મિંયાણામાં છેતરપીંડી કર્યાની કબુલાત

મોરબી, તા. ર૬ : મોરબી એલસીબીની ટીમે પોલીસની ખોટી ઓળખ આપી એકના ત્રણ લાખની લાલચ આપી ઠગાઇ કરતી ટોળકીને ઝડપી લીધી હતી. આ ઠગ ટોળકીએ માળીયા મિંયાણા પાસે રાજસ્થાનના વ્યકિત સાથે છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ અધિક્ષક મોરબી ડો. કરનરાજ વાઘેલાએ પોલીસ ઇન્સ્પેકટર વી.બી. જાડેજા એલ.સી.બી. મોરબીને ઠગાઇ વિશ્વાસઘાતના ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા આર.ટી. વ્યાસ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મળેલ હકીકત આધારે પોલીસની ખોટી ઓળખ આપી તથા એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી માણસોને ફસાવી પૈસા પડાવી લેતા આરોપી (૧) રફીક ઉર્ફે રાજન નજર મહમદ સંઘવાણી રહે. મોરબી વીસીપરા (ર) યુસુફ કાદરભાઇ જેડા રહે. મળીયા મીં. જુના રેલ્વે સ્ટેશન બાજુમાં તા. માળીયા, જી. મોરબી (૩) સલીમ દાઉદભાઇ માણેક રહે. મોરબી, વીસીપરા, મદીના સોસાયટી કુલીનગર-ર (૪) હાસમ ઉર્ફે મામુ અલીમહમદ મોવર રહે. મોરબી, વીસીપરા વાળાઓને રોકડા રૂ.૧,પ૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦ તથા મહીન્દ્રા બોલેરો ગાડી નં.જીજે૩૬-એફ-પર૮૧ કિ.રૂ.પ,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬,૬૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ ઠગ ટોળકીએ રાજસ્થાનના જોધપુરના રાજીવ ગાંધી કોલોની પાલીંગ રોડ ખાતે રહેતા ફરીયાદી ગિરધરલાલ અર્જુનરામ બિસ્નોયા (ઉ.૩પ) ને રાજસ્થાનના જ આરોપી સત્યનારાયણ ઉર્ફે સોનીએ મળી રૂ. એક લાખના ત્રણ લાખ બનાવી આપવાની લાલચ આપી માળીયા(મીં) પાસે આવેલ હોટલ પાસે લાવી, પોતાનો ઇરાદો પાર પાડવા બોલાવ્યા હતાં.

ફરીયાદીને માળીયા(મીં) પાસે ખેતરમાં લઇ ગયા હતા અને કેમિકલ દ્વારા કોરાકાગળમાંથી નોટો બને તેમ જણાવી રૂ. ર હજાર, પ૦૦,૧૦૦,૧૦ સમજાવી એક આરોપીએ ફરિયાદના રૂ. દોઢ લાખ લઇ લીધા હતા. અન્ય બે આરોપીઓ ૪ અને પ બોલેરો ગાડીમાં પોલીસ જેવો યુનિફોર્મ પહેરી ત્યાં ધસી આવ્યા હતાં અને ફરીયાદી અને સાહેદને ભગાડી મૂકયા હતા. ફરીયાદીએ પોતે પોતાની સાથે રૂ. દોઢ લાખની છેતરપીંડી થઇ હોવાનું માલુમ પડતા નજીકના માળીયા(મીં) પોલીસ મથકે જઇ પાંચેય આરોપીઓ સામે છેતરપીંડી, વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી અને બાદમાં એલસીબીએ ઠગ ટોળકીના ઉકત ચારેયને દબોચી લીધા હતા. જયારે એકની શોધખોળ ધરાઇ છે.

(3:51 pm IST)