Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ધોળીધારના પરિણીત યુવાન સાથે લવમેરેજ કરનાર કાલમેઘડાની સોનલ સાથે દગોઃ હવે નથી રાખવી કહી ત્રાસ ગુજારી કાઢી મુકાઇ

જેતપુરમાં સાથે મજુરી કરતી વખતે પ્રેમ થતાં સોનલ અને કાળુ ભાગીને માળીયા હાટીના જતાં રહ્યાઃ ત્યાંથી રતલામ ગયાઃ હોળીના દિવસે માલિયાસણ આવ્ય ત્યારે બંનેને કાળુના પિતા, ભાઇ સહિતના કારમાં નાંખી ધોળીધાર લઇ ગયાઃ ત્યાં બધાએ મળી ત્રાસ ગુજાર્યોઃ માથાના વાળ કાતરથી કાપી નાંખ્યાઃ છેલ્લે પતિ કાળુએ પણ 'હવે પાછી આવીશ તો મારી નાંખીશ' કહી તગેડી મુકીઃ ચોટીલા મંદિરમાં લગ્ન કર્યા'તાઃ પરંતુ હવે પતિ પણ તેના પિતા-પરિવાર સાથે ભળી ગયો

રાજકોટ તા. ૨૬: કાલાવડના કાલમેઘડા ગામની વતની દેવીપૂજક યુવતિને જેતપુરમાં મજૂરી કામ કરતી વખતે દોઢ વર્ષ પહેલા જામકંડોરણાના ધોળીધારના પરિણીત દેવીપૂજક યુવાન સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ભાગીને ચોટીલા મંદિરે લગ્ન કરી લીધા પછી થોડા મહિના માળીયા હાટીના રહી બાદમાં રતલામ  રોકાઇ છેલ્લે હોળીના તહેવારના દિવસે રાજકોટના માલિયાસણ આવતાં બંનેને યુવાનના પિતા, ભાઇ, બનેવીએ કારમાં બેસાડી ધોળીધાર લઇ જઇ યુવતિને હવે તને રાખવી નથી તેમ કહી મારકુટક રી માથાના વાળની લટો કાતરથી કાપી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતાં અને જેની સાથે આ યુવતિએ લવમેરેજ કર્યા હતાં એ યુવાને પણ પોતાના પિતા-પરિવારજનો સાથે ભળી જઇ 'હવે તને રાખવી નથી, પાછી આવીશ તો મારી નાંખીશ' તેમ કહી કાઢી મુકતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે જામકંડોરણાના ધોળીધાર ગામે રહેી સોનલ કાળુ સાડમીયા (ઉ.૨૬) નામની દેવીપૂજક પરિણીતાની ફરિયાદ પરથી ધોળીધાર રહેતાં તેના પતિ કાળુ હમિર ઉર્ફ હમલાભાઇ સાડમીયા, દિયર ચના હમિર, સસરા હમીરભાઇ ઉર્ફ હમલાભાઇ સાડમીયા અને રાજકોટ રહેતાં નણદોયા વિપુલ સામે આઇપીસી ૩૨૩, ૫૦૬ (૨), ૪૯૮ (ક), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

સોનલે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું ધોળીધાર ગામે સાસરુ ધરાવું છું. મારા માવતર કાલાવડના કાલમેઘડા ગામે રહે છે. દોઢ વર્ષ પહેલા હું મારા પિતા તથા પરિવારજનો સાથે જેતપુર ગટરના ભુંગળા ફીટ કરવાની મજૂરી કામે ગયા હતાં. ત્યાં કાળુ પણ તેના પરિવાર સાથે ગટરનું કામ કરવા આવ્યો હોઇ કાળુ સાથે મારે પ્રેમ થઇ ગયો હતો. આથી તે વખતે અમે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આજથી એકાદ વર્ષ પહેલા હું અને કાળુ ભાગીને માળીયા હાટીના ગામે ગયા હતાં અને પતિ-પત્નિ તરીકે જીવન ગુજારવા માંડ્યા હતાં. અમે ત્યાં એક દરબાર પરિવારની વાડીએ રહી મજૂરી કરતાં હતાં. છ-સાત મહિના ત્યાં રોકાયા પછી બંને મધ્યપ્રદેશના રતલામ  ખાતે મજૂરીએ ગયા હતાં.

મારા પતિ કાળુના અગાઉ પણ એક લગ્ન થઇ ગયા હતાં. તે મારી સાથે લગ્ન બાદ તેના પિતાના ઘરે જતો નહોતો. તાજેતરમાં હોળીનો તહેવાર આવતાં કાળુએ પોતાને પિતાના ઘરે જવું છે તેવી વાત કરી હતી. જેથી મેં હા પાડી હતી અને અમે બંને હોળીના દિવસે મારા મામા કુવાડવા રહેતાં હોઇ ત્યાં આવવાનું નક્કી કર્યુ હતું. તેમજ અમે લોધીકાના રમેશભાઇ પાસે પૈસા માંગતા હોઇ તેને પતિ કાળુએ ફોન કરતાં રમેશભાઇએ માલીયાસણ ચોકડીએ ભેગા થવાનું કહેતાં હું અને કાળુ કુવાડવા જવાને બદલે ૨૧મીએ સવારે દસેક વાગ્યે બસ મારફત માલિયાસણ ચોકડીએ આવ્યા હતાં અને રમેશભાઇની રાહ જોતાં બેઠા હતાં.

ત્યાં બપોરે બારેક વાગ્યા આસપાસ મારા સસરા હમીરભાઇ ઉર્ફ હમલાભાઇ, દિરય ચનો, નણદોયા વિપુલ કાર લઇને આવ્યા હતાં અને રમેશે તમે બંને માલિયાસણ ઉતર્યા છો તેવી વાત કરી છે તેમ કહી મને સસરાએ લાફો માર્યો હતો અને નણદોયા વિપુલે પણ મારકુટ કરી હતી. એ પછી મને તથા કાળુને ગાડીમાં બેસાડી દીધા હતાં અને ધોળીધાર ઘરે લઇ ગયા હતાં. ત્યાં અમે રોકાયા હતાં. ત્યાં પણ સસરા, નણદોયા અને દિયરે ફરીથી મારકુટ કરી હતી. કાળુ પણ તેના ઘરે પહોંચ્યા પછી તેના પિતા અને પરિવાર તરફ થઇ ગયો હતો અને 'હવે તને રાખવી નથી' તેમ કહી બે દિવસ સુધી માનસિક ત્રાસ આપ્યો હતો. ત્યારબાદ સસરા અને દિયરે કહેલ કે હવે તને રાખવી નથી કાળુએ અગાઉ પણ લગ્ન કર્યા છે અને તેને સંતાન પણ છે. પતિ કાળુએ પણ હવે તું તારા ઘરે જતી રહે, પાછી મારા ઘરે આવીશ તો જાનથી મારી નાંખશું તેમ કહી બસમાં બેસાડી દેતાં હું રાજકોટ બસ સ્ટેશને આવી હતી અને મારા બનેવી રમેશભાઇને ફોન કરીને બોલાવતાં તે મને ૧૦૮ મારફત હોસ્પિટલે લઇ ગયા હતાં.

સોનલે આગળ જણાવ્યું હતું કે મેં અને કાળુએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ગાંધર્વ લગ્ન કર્યા હતાં. મને ગર્ભ પણ રહ્યો હતો. જો કે બે મનિામાં ગર્ભપાત થઇ ગયો હતો. મારી સાથે કાળુએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના પિતા-ભાઇ સાથે મળી જઇ મને ત્રાસ આપી મારકુટ કરી મારા માથાની લટો કાતરથી કાપી નાંખી હતી અને છેલ્લે મને કાઢી મુકી હતી.

સોનલના પિતાનું નામ કુરજીભાઇ જખાણીયા છે. જે કાલમેઘડા રહે છે. કુવાડવાના પીઆઇ એમ.આર. પરમાર, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવીએ ગુનો નોંધ્યો હતો. વિશેષ તપાસ હેડકોન્સ. હમીરભાઇ સબાડે હાથ ધરી છે.

નણદોયાએ બળજબરી આચર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો

. ફરિયાદી યુવતિ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ત્યારે પોતાનું બળજબરીથી અપહરણ થયાની અને ધોળીધાર ગામે લઇ જઇ પતિ, સસરા, દિયરે મારકુટ કર્યાની અને નણદોયા વિપુલે બળજબરી આચરી હોવાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી કુવાડવા પોલીસમાં નોંધાવાઇ હતી. જો કે તપાસમાં માત્ર મારકુટ કરી ત્રાસ ગુજારાયાનું જણાવાતાં તે મુજબનો ગુનો નોંધાયો હતો.

(12:00 pm IST)