Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ઉનામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયુઃ ખેતીના પ્રશ્નો સામે આકરા પ્રહારો

ઉના, તા. ૨૬ :. ઉના-ગીરગઢડા તાલુકાના કોંગ્રેસી ખેડૂત આગેવાનોનું સંમેલન અને સ્નેહ મિલન યોજાયુ હતું. જેમાં વર્તમાન કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી, ખેડૂતોને બરબાદ કરનારી સરકાર હોય આકરા શાબ્દીક પ્રહારો નેતાઓએ કર્યા હતા.

ઉના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સંમેલન ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા, ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ડાભી, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ હીરપરા, ઉના શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, યુવા યુથ કોંગ્રેસ પ્રમુખ યોગેશભાઈ બાંભણીયા, રાજુભાઈ ગટેચા તથા બન્ને તાલુકા પંચાયતના સભ્યો, જીલ્લા પંચાયત સભ્યો તથા બન્ને તાલુકાના ૧૩૧ ગામોમાંથી ખેડૂત આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

તમામ આગેવાનોએ વર્તમાન સરકાર ખેડૂત વિરોધી છે. ૨૦૧૪માં આપેલ વચન પાળ્યા નથી. ખાતરમાં અસહ્ય ભાવ વધારો, જંતુનાશક દવાઓ બિયારણમાં ભાવ વધારો, જીએસટી, નોટબંધીથી ખેડૂત તુટી બરબાદ થઈ ગયો છે. ખેડૂતોને ખેત પેદાશના પડતર ભાવો મળતા નથી. પાકવિમો ૧૬ હજાર કરોડનું પ્રિમીયમ ઉઘરાવી માત્ર ૪૭૨૫ કરોડનો વિમો આપી ખાનગી ઉદ્યોગપતિ કંપનીને ધરાવી દીધા છે. ખેડૂતોને ૬ હજાર ખાતામાં આપવા ફીણ લાવી દીધા સામે ડીએપી અને જીએસટીમાંથી ૧૨ હજાર વસુલ કરી ખેડૂતોને ઉંધા ચશ્મા પહેરાવેલ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એક માત્ર કોંગ્રેસનું નિશાન જોવાનું કેન્દ્રમાં ખેડૂતની સરકાર લાવવા હાકલ કરી હતી.

(11:43 am IST)