Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સાંપ્રત સમાજનું ભગીરથ સેવાકાર્યઃ વિજયભાઇ

સંપત્તિ, સમજણ, સંસ્કાર સાથે આવે ત્યારે સમુહલગ્ન જેવા સદ્કાર્યના વિચાર આવેઃ પૂ. મોરારીબાપુઃ બાબરા જિલ્લાના ચમારડીમાં જી.પી.વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટના ગોપાલભાઇ વસ્તરપરાની આગેવાનીમાં આયોજીત સમૂહલગ્નમાં ૨૫૩ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાયાઃ ૧૦૦૦ દીકરીઓના લગ્ન-કન્યાદાનનું વ્રત

બાબરા - અમરેલી તા. ૨૬ : અમરેલી જિલ્લાના ચમારડી ગામે શ્રી જી.પી. વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત છઠ્ઠા સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણીએ નવદંપતિને સુખી દાંપત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સમૂહલગ્નના આયોજનને સામાજિક સમરસતા બતાવી આ એક મોટી સામાજિક સેવા હોવાનું જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ, ચમારડીના છઠ્ઠા પરિણય ઉત્સવને સર્વ ધર્મ – સર્વ જ્ઞાતિના પ્રસંગ તરીકે આલેખી જણાવ્યુ હતુ કે, કન્યાદાન એ એક મોટું દાન છે. ભારતીય લગ્ન સંસ્કાર પ્રણાલી-પરંપરામાં સમૂહ લગ્ન એ અત્યારના સમયની માંગ છે.

લગ્ન એ એક નહિ પણ સાત ભવ-અવતાર સાથે રહેવાનું કર્તવ્ય-વચન છે, તેમ જણાવી બીજા પરિવારોની દીકરીઓને પોતાની દીકરીઓની જેમ જ સાસરે વળાવવાની શ્રી ગોપાલભાઇ વસ્તરપરાની સેવાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પ્રભૂતામાં પગલા માંડનાર નવદંપતિઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, જતું કરવાની અને ત્યાગની ભાવનાથી સંસાર શરૂ કરવો તે નવદંપતિનું કર્તવ્ય છે. સુખી સંસાર માટે નવદંપતિઓને શ્રી મોરારિબાપુ જેવા સંતોના આર્શિવાદ મળ્યા છે તેથી આ સમૂહ લગ્નોત્સવ એ એક યાદગાર પ્રસંગ છે તેમ જણાવ્યું હતુ.  

માનસ મર્મજ્ઞ પૂ. શ્રી મોરારિબાપુએ રામનવમીના પવિત્ર દિને ૨૫૩ દીકરીઓને પરણાવી કન્યાદાનનો આજનો આ પ્રસંગ એ એક ઐતિહાસિક પ્રસંગ છે, તેમ જણાવી શ્રી ગોપાલભાઇ વસ્તરપરાની સંપતિ સાથે સમજણ કેળવીને પરજન હિતનું આ એક મોટું કાર્ય કર્યુ હોવાનું જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે, અમરેલી જિલ્લાના વતની હોય તેવા ઉદ્યોગપતિઓ હવે સામાજિક સેવાના માર્ગે આગળ વધ્યા છે તે સમાજ માટે એક સારી બાબત છે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

પૂ. શ્રી મોરારિબાપુએ કહ્યું કે, પૂર્વજોના પુણ્ય હોય તો જ સામાજિક સેવાના વિચાર આપે છે, તેમ જણાવી શ્રી ગોપાલભાઇના માતુશ્રીને પણ વંદન કર્યા હતા. નવદંપતિઓને આર્શિવચન આપતા તેમણે જણાવ્યું હતુ કે, દાંપત્યજીવનમાં  સ્ત્રી પતિને આદર આપે અને પતિ ધર્મચારિણીને પ્રેમ આપે બન્ને હરિભજન કરી સંસાર સુખી રીતે પસાર થાય છે. 

આ પ્રસંગે કૃષિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતુ કે, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન એ સદ્દભાવનાનું પ્રતિક છે. સુરતમાં સ્થાયી થઇને પણ જન્મભૂમિ ચમારડી પ્રત્યેનું ઋણ શ્રી ગોપાલભાઇએ ચૂકવ્યું છે. શ્રી ફળદુએ, સમૂહલગ્નમાં ભાગ લેનાર દંપતિઓ, તેમના પરિવારજનો-કાર્યકર્તાઓ તેમજ આયોજક શ્રી ગોપાલભાઇને અભિનંદન પાઠવ્યા હતા.

શાબ્દિક સ્વાગત કરતા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવના આયોજક અને જી.પી. વસ્તરપરા ટ્રસ્ટના ટ્રસ્ટ્રીશ્રી ગોપાલભાઇ વસ્તરપરાએ જણાવ્યું કે, અમારા આ સેવાના કાર્યમાં સ્વંયસેવકો અને સામાજિક અગ્રણીઓએ ખંતથી સેવા આપી છે, તેને બિરદાવુ છુ. દીકરીઓના કન્યાદાન-કરિયાવરના સંકલ્પમાં સૌનો સહકાર છે, તેમ જણાવીને સૌથી મોટા સમૂહ લગ્નોત્સવમાં સૌનો સાથ – સૌનો સહકાર છે, તે જ સાચી સફળતા છે.

શ્રી ગોપાલભાઇ વસ્તરપરા પરિવારે, માનસ મર્મજ્ઞ સંતશ્રી પૂ. મોરારિબાપુ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું શ્રી ફુલહાર અને મેમેન્ટો આપી સ્વાગત કર્યુ હતુ. સમૂહલગ્નના આ કાર્યક્રમમાં રકતદાન શિબિર પણ યોજાઇ હતી. જેમાં મોટીસંખ્યામાં યુવાનોએ રકતદાન કર્યુ હતુ.

સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું હેલીપેડ ખાતે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી સંજય અમરાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, વસ્તરપરા પરિવાર અને બાળાઓએ સ્વાગત કર્યુ હતુ.

કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા, પાળિયાદ જગ્યાના મહંતશ્રી નિર્મળાબા, ગરણીના આઇશ્રી વાલબાઇમા, સંતશ્રી શેરનાથબાપુ, રામમઢી આશ્રમના શ્રી મૂળદાસબાપુ, દ્વારકાના રામા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી રામબાપુ, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી વી.વી. વઘાસીયા, શ્રી હેમેન્દ્રભાઇ મહેતા, શ્રી જયોતિબેન વાછાણી, શ્રી બાલુભાઇ તંતી, અગ્રણી સર્વશ્રી જે પી ઠેસીયા, શ્રી સવજીભાઇ ધોળકીયા, શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, શ્રી જય વસાવડા, ખોડલધામના શ્રી પરેશ ગજેરા, કલેકટરશ્રી સંજય અમરાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે સહિત પદાધિકારી-અધિકારી-સંત-મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં બાળકીઓએ સાંસ્કૃત્તિક કૃત્તિ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરેશ બાવીશીએ કર્યુ હતુ.

ચમારડીમાં જય વસાવડા ચમકયાં

જસદણ તા. ર૬ :.. બાબરાના ચમારડી ગામે ગઇકાલે રવિવારે સાંજે દાન દયા અને દિલેરીથી ઓપતા ગોપાલભાઇ વસ્તપરાએ જબરજસ્ત સમુહ લગ્નનું આયોજન સ્વખર્ચે કર્યુ હતું. જેમાં સૌરાષ્ટ્રના અંદાજિત પ૦૦ પરિવારોને લાખો રૂપિયાની બચત થઇ હતી. અને આ આયોજનમાં લાખો લોકોએ હોંશભેર ભાગ લીધો હતો.

જેમાં જય વસાવડા પ્રવચન માટે ઉભા થયા ત્યારે એક અંદાજે ૮૦ વર્ષના માલધારી આ લખનારની બાજુની ખુરશીમાં આવી પૂછયું કે જય વસાવડાનું  ભાષણ કયારે છે ? અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  જ્ઞાની, પરોપકારી મોરારીબાપુએ અસરકારક પ્રવચન કરી સ્ટેજ પરથી વિદાય લીધી. પણ આ વૃધ્ધ ઓછું સંભળાતું ઝાંખુ દેખાતું છતાં જય વસાવડાનું પ્રવચન રસપૂર્વક સાંભળી પછી જ વિદાય લીધી.

ચમારડીના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં સાત મુસ્લિમ દંપતિઓએ નિકાહ પઢયાઃ સર્વધર્મ - સર્વસમાજના સમરસતા સૌહાર્દની ભાવના સાર્થક કરતો સમૂહ લગ્નોત્સવ

બાબરા - અમરેલી તા. ૨૬ : અમરેલી જિલ્લાના ચમારડી ગામે જી.પી. વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છઠ્ઠા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન સમારોહમાં સાત દંપતિએ નિકાહ પઢ્યા હતા.

બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિશ્રી ગોપાલભાઇ વસ્તરપરા પ્રેરિત સમૂહલગ્નમાં સર્વધર્મ – સર્વ સમાજની સમરસતાની સુગંધ પ્રસરી હતી. સમૂહ લગ્ન એ સામાજિક સમરસતાનું પ્રતિક છે. ચમારડી ખાતે યોજાયેલ સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં મુસ્લિમ પરિવારના સાત યુગલો પણ જોડાયા હતા. બાબરાની દીકરી સાહિના અઘલાણી અને આટકોટની કનીજા અબ્દુલભાઇ પરમારે તેમજ બાબરાના અસ્લમ અને શેખ પીપરીયાના નરસદીને સમૂહ લગ્નોત્સવમાં બધા જ ધર્મ-સમાજ માટે અદકેરું આયોજન કરવામાં આવ્યું છે, તેવો પ્રતિભાવ વ્યકત કર્યો હતો.મૌલાના અસ્લમભાઇ (લાઠી)એ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શુભકામના નવદંપતિને મળી છે તેથી આ નિકાહની શોભામાં વધારો થયો છે, તેમ આનંદની લાગણી વ્યકત કરતા તેમણે જણાવ્યું હતુ.

(12:10 pm IST)