Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

પૂર્વ કચ્છની સરકારી હોસ્પિટલ બનશે આધુનિક સારવારથી સજજ

૪૫ કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી સુવિધાઓનું વર્ચ્યુંઅલી લોકાર્પણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ :  પૂર્વ કચ્છમાં સરકારી હોસ્પિટલની મેડિકલ સુવિધાઓ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું છે. સરકારી હોસ્પિટલ રામબાગ ગાંધીધામ કચ્છ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલી કુલ રૂ.૪૫.૫૦ કરોડના ક્રિટિકલ કેર બ્લોક તેમજ ઈન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ રાજકોટ ખાતેથી રૂપિયા 48000 કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રકલ્પોના ખાતમુર્હુત તથા લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં ગાંધીધામ રામબાગ હોસ્પિટલ ખાતે પણ 2 મેડિકલ સુવિધાઓનું ખાતમુર્હુત કરતા આવનારા સમયમાં દર્દીઓને વધુ સારી રીતે સારવાર ઉપલબ્ધ બનશે તેવું પૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી ડો. નીમાબેન આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે આ પ્રસંગે ઉમેર્યું હતું કે રામબાગ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો સરકારે આપ્યા બાદ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થયો છે અને હવે રૂપિયા ૧.૫૦ કરોડની લેબોરેટરી તેમજ  રૂપિયા ૪૪ કરોડના ક્રિટીકલ કેર બ્લોકની સુવિધા ટૂંક સમયમાં પ્રાપ્ત થતાં પૂર્વ કચ્છના તમામ લોકોને સ્થાનિકે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થઈ શકશે. શ્રી નીમાબેન આચાર્યએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી શિક્ષિત ભારત, સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતના મિશનને લઈને કામગીરી કરી રહ્યા છે ત્યારે તેને સાકાર કરવા માટે તેમણે અનેક યોજનાઓનું અમલીકરણ કર્યું છે, તેમજ આવનારા સમયમાં પણ અનેક યોજનાઓનો લાભ લોકોને પ્રાપ્ત થશે. ત્યારે સૌ નાગરિકો વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સહયોગ આપે તેમ વિધાનસભા પૂર્વ અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું. 
 
આ પ્રસંગે ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ,સરકારી રામબાગ હોસ્પિટલએ પૂર્વ કચ્છ માટે એક વરદાન સમાન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુવિધાઓમાં કરવામાં આવતા વધારા થકી લોકોની સુખાકારીમાં વધારો થશે.  તેમણે આવનારા સમયમાં આ હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે તેમ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. 
કાર્યક્રમમાં અગ્રણી  દેવજીભાઈ વરચંદે પ્રાસંગિક પ્રવચન કરતા વડાપ્રધાનશ્રીના દેશને વિકસિત ભારત બનાવવાના સ્વપ્નમાં સૌ નાગરિકો સહયોગ આપી એવી અભ્યર્થના કરી હતી. 
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી  એસ.કે પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ હોસ્પિટલમાં ખાતમુહૂર્તથી ઉપલબ્ધ થનારી  સુવિધાઓ અંગે ઉપસ્થિતોને માહિતી આપી હતી. રામબાગ હોસ્પિટલ ખાતે આ સુવિધાઓ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત ઊભી કરવામાં આવી છે.
 
 કાર્યક્રમમાં આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ  તેજસભાઈ શેઠ,તાલુકા પંચાયત પ્રમુખ શાંતીબેન બાબરીયા, તાલુકાના સમિતિના ચેરમેન નિર્મલાબેન સોલંકી , પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારી શ્રી સુનીલ સોલંકી, જિલ્લા સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, તથા આગેવાનશ્રીઓ શૈલેષ પ્રજાપતિ, પંકજભાઈ, નરેશ ગુરુમાની, બાબુ ગુજરીયા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:13 am IST)