Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભચાઉ એપીએમસીના ચેરમેન - વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની પુનઃ વરણી: વાઈસ ચેરમેન પદે નારાણભાઈ આહિરની બિનહરીફ

ભચાઉ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી માટેની મહત્વની બેઠક મળી હતી, જેમાં બન્ને પદની બિનહરિફ રીતે વરણી કરવામાં આવતા આગેવાનો તેમજ ડાયરેકટરોએ નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની પુનઃ વરણી કરવામાં આવી હતી.

   ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)માં અગાઉની ટર્મના સુકાનીઓની સમય મર્યાદા પૂર્ણ થતા નવી વરણી કરવામાં આવી હતી, જેમાં ચેરમેન પદે પુનઃ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા જ્યારે વાઈસ ચેરમેન પદે નારાણભાઈ આહિરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આજે એપીએમસી ખાતે મળેલી બેઠકમાં ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ જાડેજાના નામની દરખાસ્ત મહેન્દ્રસિંહ નવુભાએ કરી હતી જેને હર્ષદ નટવરલાલ ઠક્કરે ટેકો આપ્યો હતો તો નારાણભાઈ આહીરના નામની દરખાસ્ત ભરતસિંહ રણજીતસિંહ જાડેજાએ કરી હતી જેને રણછોડભાઈ કાનાભાઈ આહિરે ટેકો આપ્યો હતો. આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે જીલ્લા રજીસ્ટ્રાર જી. એસ. સોલંકીની ઉપસ્થિતિમાં સમગ્ર વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
   નવ નિયુક્ત હોદ્દેદારોએ એપીએમસીના વિકાસ માટેની ખાતરી ઉચ્ચારી હતી. ખેડૂતો તેમજ વેપારીઓના હિતમાં અગાઉની જેમ જ પારદર્શક રીતે વહીવટ ચલાવવામાં આવશે તેવું ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ ટાંકણે ભચાઉ સુધરાઈના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, વિકાસ રાજગોર, નામેરી જેઠાભાઈ આહીર, રાજાભાઈ પટેલ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત હોદ્દેદારોને હાર તોરા કરી મીઠું મોઢું કરાવીને શુભેચ્છા પાઠવી હતી.

(1:52 pm IST)