Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ટાટા કેમિકલ્સે ડાયરેકટોરેટ જનરલ ઓફ માઇન્સ સેફટીનાં નેજા હેઠળ માઇન્સ સેફટી વીક ૨૦૧૯નાં વિજેતાઓનું સન્માન

જામનગર, તા.૨૬: ટાટા કેમિકલ્સે માઇન્સ સેફ્ટી વીક ૨૦૧૯નું આયોજન કર્યું હતું અને ડાયરેકટોરેટ જનરલ ઓફ માઇન્સ સેફ્ટી (ડીજીએમએસ) – અમદાવાદ અને સુરત રિજનનાં નેજાં હેઠળ સન્માન સમારંભ સાથે આ આયોજન સંપન્ન થયું હતું. આ એવોર્ડનું વિતરણ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦નાં રોજ ડેપ્યુટી ડાયરેકટર-જનરલ ઓફ માઇન્સ સેફ્ટી (નોર્થવેસ્ટ ઝોન ઉદેપુર) શ્રી મનિષ મુર્કૂટેની હાજરીમાં થયું હતું.

આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે, જેનો ઉદ્દેશ ખાણિયાઓ વચ્ચે તેમજ ખાણની આસપાસ વસતા સમુદાયોમાં સલામતીનાં ધારાધોરણોનાં પાલન અને આસપાસ સ્વચ્છતા અને સિલિકોસિસનાં મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.

૧૦માં ગુજરાત મેટલિફેરસ માઇન્સ સેફ્ટી, સ્વચ્છતા અને સિલિકોસિસ અવેરનેસ વીક-૨૦૧૯ની શરૂઆત ગુજરાત અને મધ્યપ્રદેશનાં કેટલાંક ભાગોમાં ૯૩થી વધારે ખાણોની અઠવાડિયા લાંબી ચકાસણી સાથે શરૂ થઈ હતી. એમાં ટ્રેડ ટેસ્ટ, કિવઝ ટેસ્ટ અને ફર્સ્ટ એડ ડ્રિલ, માઇન્સ વર્કિંગ જેવી ખાણોની વિવિધ કેટેગરીઓમાં જુદી જુદી સ્પર્ધાઓ પણ સામેલ હતી. વિજેતાઓને આશરે ૫૦૦ ઇનામોનું વિતરણ થયું હતું.

અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડેપ્યુટી ડાયરેકટર-જનરલ ઓફ માઇન્સ સેફ્ટી (નોર્થવેસ્ટ ઝોન ઉદેપુર) શ્રી મનિષ ઈ મુર્કૂટે કહ્યું હતું કે, આ પ્રકારનાં કાર્યક્રમો ઝીરો નુકસાનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા વિવિધ ખાણો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ઘતિઓ અન્ય ખાણો અપનાવે એ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે ખાણ કંપનીઓ દ્વારા કરાર પર રાખેલા કામદારોની તાલીમ, આરોગ્ય અને કલ્યાણનું ધ્યાન રાખવા પર પણ ભાર મૂકયો હતો. ડાયરેકટર્સ માઇન સેફ્ટી ઓફ અમદાવાદ અને સુરતનાં અનુક્રમે શ્રી મોહમ્મદ રફીક સૈયદ અને શ્રી રામાવતાર મીના પણ ઉપસ્થિત હતાં તથા તેમણે સંબોધન કર્યું હતું. તેમણે ખાણોમાં સલામતી સતત સુધારવા માટે આ પ્રકારની સ્પર્ધાઓમાં ખાણોને વધુ ભાગીદાર થવા માટે અપીલ કરી હતી.

ટાટા કેમિકલ્સનાં વાઇસ પ્રેસિડન્ટ (ઉત્પાદન) શ્રી એન કામથે કહ્યું હતું કે, 'ખાણ ક્ષેત્રમાં સલામતી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. માઇન્સ સેફ્ટી વીક અમારી કામગીરીનું સલામત વાતાવરણ ઊભું કરવા માટેની ફિલોસોફીને સુસંગત છે. ખાણિયાઓની કામ કરવાની આકરી સ્થિતિની જાણકારી મેળવવી અને આ વિશે જાગૃતિ લાવવા પગલાં લેવા જરૂરી છે. સાથે સાથે, આપણે ખાણ કંપનીઓ માટે સલામતીનાં પગલાં લેવા બંધાયેલી છે એનો પણ સ્વીકાર કરવો પડશે.'

આ દરમિયાન સલામતીનાં મહત્ત્વ વિશે જાણકારી અને સમજણ વધારવા કેટલાંક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું.

(1:39 pm IST)