Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જુનાગઢ જેલની બે કલાક ઝડતી : કાચા કામનો કેદી બે મોબાઇલ સાથે પકડાયો

જુનાગઢ જેલના પ્રશાસનની દેખરેખ પર શંકા

જૂનાગઢ તા. ૨૬ : જૂનાગઢ જેલની બે કલાકની ઝડપી દરમિયાન કાચા કામનો એક કેદી બે મોબાઇલ સાથે પકડાતા જેલ પ્રશાસનની દેખરેખ શંકાસ્પદ બની છે.

અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી - અમદાવાદની ઝડતી સ્કવોડના જેલર દેવશીભાઇ રણમલભાઇ વગેરેએ ગઇકાલે બપોરના ૧.૧૦ વાગ્યાથી જુનાગઢ જેલની ઝડપી હાથ ધરી હતી.

આ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સાંસ્કૃતિક હોલ સામેથી કાચા કામનો કેદી જીજ્ઞેશ પાલાભાઇ કોડીયાતર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

આથી જેલર દેવશીભાઇ વગેરેએ આ શખ્સની તલાશી લેતા તેની પાસેથી બે મોબાઇલ મળી આવ્યા હતા. આથી જીજ્ઞેશની ધરપકડ કરવામાં આવી હતી.

આમ, બપોરના ૩.૨૦ સુધી જૂનાગઢ જેલની થયેલી ઝડપી દરમિયાન કાચા કામનો આરોપી જીજ્ઞેશ કોડીયાતર બે મોબાઇલ સાથે ઝડપાતા સનસની મચી ગઇ હતી.

જેલમાં મોબાઇલ વગેરે ચીજવસ્તુ પ્રતિબંધિત હોય છે અને જેલ પ્રશાસન દ્વારા તપાસ ઝડતી કરવામાં આવતી હોય છે. આમ છતાં અમદાવાદની ઝડપી સ્કવોડની કાર્યવાહી દરમિયાન કેદી બે મોબાઇલ સાથે પકડાતા જૂનાગઢ જેલની તપાસણીની કાર્યવાહી શંકાના પરિઘમાં આવી ગઇ છે.

(1:12 pm IST)