Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જૂનાગઢના વડાલમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૩૬ લાખની માલમત્તાની ચોરી

પરિવાર નડિયાદ ખાતે પુત્રને મળવા જતા તસ્કરો ખાબકયા

જૂનાગઢ તા. ૨૬ : જુનાગઢના વડાલનો વિપ્ર પરિવાર મકાનને તાળા લગાવી નડિયાદ જતા પાછળથી તસ્કરો બંધ ઘરમાં મહેમાન બની રૂ. ૧.૩૬ લાખની મત્તાની ચોરીને નાસી ગયા હતા.

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે બાલાજી પાર્કમાં રહેતા નલીનકાંત ઉદયકાંત ભટ્ટ (ઉ.વ.૬૫) નામના વૃધ્ધનો પુત્ર નડિયાદ ખાતે નોકરી કરતો હોય તેથી તા. ૫ ફેબ્રુઆરીથી તા. ૨૫ ફેબ્રુઆરી મકાનને તાળા લગાવી પરિવાર સાથે નડિયાદ ગયા હતા.

આ દરમિયાન વિપ્ર પરિવારના મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી તસ્કરો ઘરમાં મહેમાન બન્યા હતા.

બાદમાં તિજોરીનો લોક તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ. ૧,૩૬,૬૩૨ની કિંમતની માલમત્તા ચોરીને તસ્કરો નાસી ગયા હતા.

આ અંગે ગત રાત્રે તાલુકા પોલીસે નલીનકાંત ભટ્ટની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ તાલુકા પી.એસ.આઇ. જે.કે.પટેલ ચલાવી રહ્યા છે.

(1:12 pm IST)