Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નેશનલ લેવલે અવ્વલ આવી જામનગર અને રાજ્યને ખ્યાતિ અપાવતો આર્યન ઝા

મુખ્યમંત્રીએ ખુશ થઇને સિવિલ સર્વિસિસિની પરીક્ષાની તૈયારી કરવા સુચવ્યું

'કાંઇક એવું કરો કે દેશ અને દુનિયા તમને તમારા નામથી ઓળખે' તે વાતને જામનગરના રહેતા અને નંદવિદ્યા નિકેતનમાં અભ્યાસ કરતા ધોરણ-૧૦ના વિદ્યાર્થી આર્યન ઝાએ સાબિત કરી બતાવી છે. આર્યને ધોરણ-૧૦માં સીબીએસસીમાં ૫૦૦ માર્કસ માંથી ૪૯૯ માર્કસ મેળવી નેશનલ લેવલે નંબર વન આવી જામનગર અને ગુજરાત રાજયને ગૌરવ અપાવેલ છે. 

આર્યનએ ખૂશી વ્યકત કરતાં જણાવ્યું કે, બોર્ડમાં ટોપરમાં સ્થાન લેવાનું કયારેય વિચાર્યુ ન હતું. પરંતુ સારા પરિણામ માટે ખૂબ જ મહેનત કરી હતી. પરિવારજનો અને શિક્ષકોની મદદથી સારૂ પરિણામ મળ્યુ અને ભવિષ્યમાં વિજ્ઞાન વિષયમાં આગળ અભ્યાસ કરીને ડોકટર બનવાની ઇચ્છા વ્યકત કરી હતી.

મુળ ઝારખંડના વતની ઝા પરિવાર છેલ્લા ૧૪ વર્ષોથી જામનગરમાં વસવાટ કરે છે. આર્યનના માતા-પિતાએ પુત્રની આ સિધ્ધી અંગે ગૌરવભેર ખૂશીની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે, આર્યનજે પણ ક્ષેત્રમાં ભાગ લે છે ત્યાં તે તેના જ્ઞાનથકી અવ્વલ નંબર આવેજ છે. હાલ તે અમદાવાદમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે.  માતા-પિતા માટે એક ગૌરવની વાત છે કે તેનો પુત્ર તેનું અને તેમના પરિવાર, શહેર તથા રાજયના નામની નેશનલ લેવલે ખ્યાતી પ્રાપ્ત કરાવે.

આર્યનને પ્રાપ્ત કરેલ સિધ્ધી બદલ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઝા પરિવારને  મળવા માટે આમંત્રણ પાઠવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આર્યનની સાથે ગોષ્ઠી કરતાં તેને સિવિલ સર્વિસીસ એકઝામ માટેની તૈયારી કરવા સુચન કરી ઉમેર્યું કે, 'શિક્ષણ એ એક સૌથી શકિતશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો. પૃથ્વીપર બનનારા મહાન નેતાઓમાંના એક દ્વારા પ્રેરિત શબ્દો કે, શિક્ષણનું લક્ષ્ય જીવન બદલવાનું છે. જે ફકત અભ્યાસ કરે છે તે જ નહીં, પણ શિક્ષણ સાથે જોડાયેલા લોકોનું પણ છે.

આર્યનએ પરીક્ષા માટે કેવી તૈયારી કરી અને તેમનું કુટુંબ તેમના મુશ્કેલ સમયમાં તેમની સાથે કેવી રીતે રહ્યું તે જાણી આનંદની લાગણી વ્યકત કરી ઉજવળ ભવિષ્ય માટે આર્યનને શુભકામના પાઠવતા જણાવ્યું કે, મને ખાતરી છે કે તમે ભવિષ્યમાં શિક્ષણનો જે પણ રસ્તો પસંદ કરશો તે તમારા અને તમારા પરિવાર તથા સમાજ માટે ફાયદાકારક રહેશે.

રાજય સરકાર અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ જોડિયા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે સન્માનપત્ર અને મોમેન્ટો આપી આર્યનની સિધ્ધીને બિરદાવી હતી. જયારે કેન્દ્ર સરકાર દ્વારા આર્યનને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી બોક્ષ, રાજપથ, ન્યુ દિલ્હી ખાતે રીપબ્લીક ડે પરેડમાં હાજર રહેવા માટેનું પણ આમંત્રણ પાઠવ્યું હતું અને ત્યાં એચ.આર.ડી. મિનીસ્ટર શ્રી રમેશ પોખરીયાલ દ્વારા તેમને એપ્રિશીએશન સર્ટીફિકેટ આપવામાં આવેલ હતું.(

(1:09 pm IST)