Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગોંડલમાં વિજ કનેકશન પ્રશ્ને અન્યાય થતા કોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી

ગોંડલ તા. ૨૬ : ગોંડલની નાની બજાર, સાટોડીયા શેરીમાં રહેતા રમાબેન દુર્લભજીભાઇ જોષીએ રાજકોટની પીજીવીસીએલ કચેરી રૂરલ સર્કલ ઓફિસ - લક્ષ્મીનગરના અધિક્ષક ઇજનેરશ્રીને પત્ર પાઠવીને વિજ જોડાણ પુનઃ ચાલુ કરવા માંગણી કરી છે.

અરજદાર રમાબેન દુર્લભજીભાઇ જોષીએ જણાવ્યું છે કે, ગોંડલ ટાઉનમાં ગ્રાહક નં. ૩૪૨૦૮૦૦૫૦૨૫થી તેમના પતિ દુર્લભજીભાઇ ગોરધનભાઇ જોશીના નામે છેલ્લા ૩૫ વર્ષથી વિજ કનેકશન છે પરંતુ માર્ચ - ૨૦૧૩ના રૂ. ૫૩૬૮નું બિલ ભર્યું ન હોવાથી કનેકશન કાપી નાંખ્તા ફરીથી રકમ ભરી દેતા વિજ કનેકશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

ત્યારબાદ ફેબ્રુઆરી - માર્ચ - ૨૦૧૩થી કોઇપણ બીલ વિજ કચેરી દ્વારા આપવામાં ન આવતા ગોંડલ પેટા વિભાગને જાણ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને દર બીલની તારીખે મિટર રીડર દ્વારા ફકત વપરાશના યુનિટની નોંધ કરવામાં આવતી તેમજ ડિસેમ્બર-૨૦૧૬ના મિટરનું ડિસ્પ્લે બંધ થતા વિજ કચેરીમાં તપાસ કરતા તમારૂ કનેકશન થઇ ગયેલ છે જેથી બીજુ કનેકશન લેવા જાણ કરીને માનસીક હેરાનગતી કરવામાં આવી હતી.

બીજા વિજ કનેકશન માટે પુરતા ડોકયુમેન્ટ હાજર ન હોવાથી જુનુ વિજ કનેકશન ચાલુ રાખવાની માંગણી કરતા અધિકારીઓ દ્વારા હેરાન કરતા તા. ૩૧-૧૨-૧૬ના રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રમાં ફરીયાદ કરી હતી.

જેના કારણે તા. ૨૨-૨-૧૭ના રોજ મારી રજૂઆત માન્ય રાખીને વિજ કનેકશન રેગ્યુલર કરી આપવાનો હુકમ કર્યો હતો. જેથી ફેબ્રુઆરી-૨૦૧૩થી એપ્રિલ-૨૦૧૮ સુધીનું ૨૦૦ યુનિટનું એવરેજ બીલ રૂ. ૪૮૨૫૨-૬૨ પૈસા જે મારા વપરાશ કરતા પણ વધુ બનાવી આપ્યું છે. જે બિલ હપ્તે - હપ્તે ભરી દેવાની વાત સ્વીકારી હોવા છતાં કોઇ ઘરે હાજર ન હતું ત્યારે કોઇ પણ નોટીસ આપ્યા વગર વિજ કનેકશન તા. ૨૪-૧-૨૦ના રોજ કાપી નાખ્યું છે.

જેથી તા. ૨૭-૧-૨૦ના રોજ બાકી રહેતી રકમ રૂ. ૨૧૬૦૫ ભરપાઇ કરી દીધી હોવા છતાં પણ આજ દિવસ સુધી વિજ કનેકશન ચાલુ કર્યું નથી.

જેથી તાત્કાલિક વિજ કનેકશન ચાલુ કરવા માંગણી કરી છે અન્યથા કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચિમકી આપી છે.

વિજ કનેકશન ન હોવાના કારણે ચોરી, લુંટ કે કોઇ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી પીજીવીસીએલની રહેશે તેવી ચિમકી રમાબેન ડી. જોશી, કમલેશ ડી. જોશી, ચારૂલતા કે. જોશી, નૈત્રી કે. જોશીએ આપી છે.

(11:49 am IST)