Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પોરબંદરમાં માતૃભાષા દિનની અનોખી ઉજવણી : બી એડ પ્રશિણાર્થીઓ દ્વારા રજૂ

પોરબંદર તા.૨૬ : વઢવાણમાં જન્મેલા કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડીની સમગ્ર ગુજરાત દ્વિશતાબ્દી ઉજવી રહ્યુ છે. ગુજરાતી સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં તેમનુ સર્જન થકી શબ્દ સ્વરૂપ અમર છે. સાંભળો શિયાળ બોલ્યુ, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે, શરણાઇવાળો શેઠ, આપના અઢાર વાંકા, કરતો જાળ કરોળીયો, અંધેરી નગરીને ગંડુ રાજા, કેડથી નમેલી ડોશી, આપણે સૌ પાઠયપુસ્તકમાં ભણ્યા છીએ. આ કવિતાની પંકિતઓથી દલપતરામ આજે પણ જીવંત છે. શિક્ષકોની સંસ્થા શ્રી માલદેવજીભાઇ ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો.વી.આર.ગોઢાણીયા બીએડ કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે તાજેતરમાં માતૃભાષા દિન વિશેષ ઉજવણી સંદર્ભે ગુજરાતના જાણીતા કવિશ્વર દલપતરામની દ્વિશતાબ્દી ઉજવવાનું આયોજન બીએડના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા થયુ હતુ. જેમાં ધો. ૯ના ગુજરાતી પાઠયપુસ્તકોના અભ્યાસક્રમનું દલપતરામનું પ્રખ્યાત હાસ્ય રચના વર્ણવતુ જીવરામભટ્ટ જમવા બેઠા નાટક રંગમંચ પર ભજવીને મોટા ગજાના સાહિત્યકારને નાટયાંજલી અર્પણ કરી હતી.

બીએડ કોલેજના પ્રિન્સીપાલ ડો.હિનાબેન ઓડેદરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતના મોટા ગજાના કવિશ્વર દલપતરામની દ્વિ શતાબ્દી સાહિત્ય સંસ્થાઓ, શાળા કોલેજોએ ઉજવણી કરવી જોઇએ. તેના ભાગરૂપે બીએડના તાલીમાર્થી ભાઇ બહેનોએ એક નાટક ભજવીને આ પ્રયાસ કર્યો છે.

બીએડ કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો.ઇશ્વરલાલ ભરડાએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે એકવીસમી ફેબ્રુઆરી માતૃભાષા દિન છે. તેની ઉજવણી સાહિત્યરસીકો કરે તેનો વિશેષ આનંદ છે. ભારતમાં માતૃભાષા તરીકે ૧૯,૫૦૦ ભાષા અને બોલીઓ બોલાય છે. વિશ્વની બીજી કલાસીકલ ભાષા ગુજરાતી છે. માતૃભાષાએ અભિવ્યકિતનો આત્મા છે માધ્યમ છે. તે સંસ્કૃતિનું વહન કરે છે. ખાસ કરીને પ્રાથમિક સ્તરે ભારતની સંસ્કૃતિ અને તેની વિવિધતાને જાળવવા આપણે આપણી માતૃભાષાનું જતન કરવુ જોઇએ. માતૃભાષાને જીવંત રાખવામાં જીવરામ ભટ્ટ જમવા બેઠા નાટય હાસ્ય રચયનનો મોટો ફાળો છે તેમણે આવી રચનાઓ થકી બાળકોની ગુજરાતી માતૃભાષા પ્રત્યેની સાહિત્યરૂચિ જાગૃત બનશે નાટક ભજવવા બદલ શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.

બીએડ કોલેજના પ્રા. મનીષાબેનના માર્ગદર્શન તળે યોજાયેલ દલપતરામ લીખીત હાસ્ય નાટક જીવરામભટ્ટ જમવા બેઠા બીએડના વિદ્યાર્થીઓએ વેષ પરિધાન સાથે નાટક ભજવ્યુ હતુ. જેમા દેવબાઇ, શ્વેતાબેન જોશી, સોમનાથ નીતાબેન કડગીયા, રંગલો, જીવરામભટ્ટ, મયુર ઓડેદરા, રઘુનાથ ભટ્ટ, શિવાંગી જોશી, કાંધલભાઇ ઓડેદરાએ પાત્ર ભજવીને હાસ્યની છોળો ઉડાડી હતી.

માતૃભાષાની મહિમાને ઉજાગર કરતુ શિવાંગી જોશીએ ગીત પ્રસ્તુત કરેલ હતુ. ઓડેદરા મયુરભાઇએ માતૃભાષાનો મહિમા અંગે વાર્તાલાપ રજૂ કરેલ હતો. જુગી રીનાબેન અને કંડગિયા નીતાબેનએ માતૃભાષાને બચાવવા પ્રશ્નોતરી કરી હતી. જેમાં માતૃભાષાને જીવતી રાખવા સરકાર શું કરી શકે ? માતૃભાષાને જીવંત રાખવા સમાજ સંસ્થાઓ શું કરી શકે ? માતૃભાષાને લોકજીભે રાખવા લોકપ્રિય કાર્યક્રમો દ્વારા શું થઇ શકે તેમનો સાહિત્યવર્તુળે સંતોષકારક ઉતરો આપેલ હતા.

કાર્યક્રમનું સંચાલન શિક્ષાર્થી શ્વેતાબેન જોશીએ કર્યુ હતુ. આભારવિધિ પ્રા. જાનકીબેન જોશીએ કરી હતી. કાર્યક્રમમાં બ્રિજેશભાઇ દેસાણી, દક્ષાબેન સાગોઠીયા, વૈશાલીબેન પુરોહીત, જલ્પાબેન ઓડેદરા, દક્ષાબેન મોકરીયા, બાલુભાઇ ઉપાધ્યાય, જબરાભાઇ આગઠ સહિત બીએડના વિદ્યાર્થી ભાઇ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(11:47 am IST)