Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નિરંકારી ભકતો દ્વારા સફાઇ અભિયાન યોજાયું

જૂનાગઢ તા.૨૬ : નિરંકારી ભકતોએ રવિવારે નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજની જન્મજયંતી ગુરૂપૂજા દિવસના રૂપમાં મનાવ્યો પરંતુ તે અજોડ પ્રયાસ મંગલકારી હતો. તેઓના હાથમાં ન તો પૂજાની થાળી હતી કે ન તો પુષ્પમાળા હતી પરંતુ તેઓ હાથમાં ઝાડુ લઇને નવી સિવિલ હોસ્પિટલને ચમકાવવા લાગ્યા હતા. જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે ૮ વાગ્યાથી નિરંકારી ભકતોએ સફાઇ અભિયાન શરૂ કર્યુ.

સંયોજક જગદીશજીએ જણાવ્યું કે, નિરંકારી ભકત જયા બાબા હરદેવસિંહજીનો જન્મદિવસ ઉજવવા માટે ઉત્સાહીત રહે છે ત્યા જ નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી કોઇપણ આંડબરથી અલગ જનહિતકારી કાર્ય કરવાની પ્રેરણા આપે છે તેથી જ તો છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વભરમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

સેવાદળનો સદસ્યો અને સંત નિરંકારી મિશનથી જોડાયેલ તમામ શ્રધ્ધાળુ ભકતોએ સફાઇના સામાન ઝાડુ, પરાત, પાવડો, બ્રશ,મોજા, માસ્ક વગેરેની સાથે સફાઇમાં જોડાઇ રહ્યા. લગભગ ૧૧૦ થી પણ વધારે સદસ્યોએ પોતાનુ યોગદાન આપ્યુ. આ અવસર પણ હોસ્પિટલના સ્ટાફ તથા અધિકારીઓએ સફાઇ અભિયાન પર નજર રાખી હતી નિરંકારી ભકતો દ્વારા સફાઇના રૂપમાં કરવામાં આવી રહેલ સેવાથી પ્રસન્ન જોવા મળ્યા.

સાથે ૫૦ થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ. આ અવસર પર લોકોને સ્વચ્છતા પ્રતિ જાગૃત કર્યા. ત્યા જ નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજનો સંદેશ આપતા કહ્યુ કે, સ્વચ્છતા બહાર હોય કે આંતરીક બંને જરૂરી છે. નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ બ્રહ્મજ્ઞાન દ્વારા આંતરીક વિકારોનુ પ્રદુષણ દૂર કરી રહ્યા છે ત્યા જ સફાઇ અભિયાન ચલાવીને બાહરી પ્રદૂષણથી બચાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંત નિરંકારી ચેરી. ફાઉન્ડેશન પાછલા કેટલાક વર્ષોથી સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપી રહ્યુ છે.

(11:44 am IST)