Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

માધવપુર(ઘેડ) પાસે શીલ ગામે ઉદાસીન પંચાયત સાધુ વૃંદના સામૈયા : પાંચ દિવસ સત્સંગ

માધવપુર તા.૨૬ : શીલ ગામે દેશના ઉદાસીન પંચાયત સાધુવૃંદના આગમન થતા સમગ્ર ગામે સામૈયુ કરાયુ હતુ. સંતો દ્વારા પ માર્ચ સુધી સત્સંગ રાખેલ છે.

શીલ ગામે તાજેતરમાં સમગ્ર દેશમાં આધ્યાત્મિક ઉન્નતીનો સંદેશો લઇને પરિભ્રમણ કરતા દેશના ઉદાસીન પંચાયત સાધુ વૃંદનું આગમન થતા આ સાધુવૃંદનું સમસ્ત ગામે સામૈયુ કરી અતિથિધર્મનો સંદેશ ચરિતાર્થ કરેલ હતો.

સૌરાષ્ટ્ર એટલે અનેક ધર્મોની ભૂમિ, ધર્મોનુ સંગ્રહાલય, સર્વ સંપ્રદાયોની મતોની સમન્વય ભૂમી, તત્વજ્ઞાનના યોગેશ્વરની ભૂમી, સંતો, ભકતો, ત્યાગી, તપસ્વી, ધર્મવીરો, શૂરવીરો, ધર્મપંડીતો, મહાત્માઓ ધર્મ પ્રર્વતકોની જન્મ ભૂમી, સંતો જોગમાગાઓની સંતભૂમીને લીધે આ ભુમીમાં પરિભ્રમણ કરે છે. સૌનો વિચાર કરે તે સંત અને પોતાનો વિચાર કરે તે સંસારી. સાધુ સંતોશાસ્ત્રો પુરાણોને સત્સંગ દ્વારા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. શાસ્ત્રો પુરાણોની કથાઓ જીવન જીવવાની ચેતના બક્ષે છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં આધ્યાત્મિક ઉન્નતીનો સંદેશો લઇ પરિભ્રમણ કરતા ૨૦૦ જેટલા સાધુ વૃંદ શીલ ગામે પધારતા સમગ્ર ગામ આધ્યાત્મિક રંગે રંગાયુ છે. આ વૃંદ શીલ ગામે આવેલ શ્રી રામ મંદિરના વિશાળ આશ્રમ ખાતે એક અઠવાડીયુ રોકાઇને દરરોજ ગ્રામજનોને આધ્યાત્મિક વાતોનો બોધ આપશે.

શીલ ગામે શ્રી રામમંદિરની વિશાળ જગ્યા છે જેમાં ૪૦ વર્ષથી એક સાધુ મૌની બાપુ તરીકે ઓળખાતા અને આ ગામડાઓના વિસ્તારમાં ખૂબ જ આદરભર્યુ સ્થાન ધરાવતા હતા. તેઓ બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય હાલ આશ્રમના લક્ષ્મણદાસબાપુ મહંત છે. આ મૌનીબાપુ પણ દેશના ઉદાસીન પંચાયત સાધુવૃંદના શિષ્ય હતા. આથી અહી પધારી તેની સ્મૃતિમાં એક અઠવાડીયુ સત્સંગ સભા યોજાશે.

આ સાધુ વૃંદ શીલ ગામે પધારતા ગામના સમાજ શ્રેષ્ઠી રામજીભાઇ ચુડાસમા, જીતેશભાઇ જોશી, કચરાભાઇ વાઢેર, પોરબંદરના ડો.ઇશ્વરભાઇ ભરડા સહિત ગામના નાગરીકો સમાજશ્રેષ્ઠીઓ તથા સમગ્ર ગ્રામજનોએ ઢોલ નગારા શરણાઇના સુરો સાથે સામૈયુ કરેલ તેઓને રામમંદિર ખાતે ધર્મસભાના રૂપમાં સભા યોજાઇ હતી.

દેશના ઉદાસીન પંચાયતના સાધુવૃંદના મહંત મહેશ્વર દાસજીએ જણાવેલ હતુ કે હરદ્વાર કુંભમેળો યોજાઇ છે તેમા ભાગ લઇ સમગ્ર દેશમાં સનાતન ધર્મનો આધ્યાત્મિક સંદેશો લઇ પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણની સમાપ્તિ હરિદ્વારના કુંભમેળાના સમયે થશે. અમારી સાથે ટ્રેકટરો ગાડીઓ સાથેનો રસાલો છે. આ સાધુવૃંદમાં ૨૦૦ જેટલા સાધુઓ છે. સૌરાષ્ટ્રની ભૂમી ભગવાનની ભૂમી છે. આથી અમો સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી પાંચ દિવસ શીલ ગામે તા.૧ માર્ચ સુધી નિવાસ છે. ગ્રામજનોને સત્સંગના માધ્યમથી આધ્યાત્મિક ઉન્નતી કરવાનો પ્રયાસ કરીશુ.

(11:41 am IST)